May 21, 2024

અરવિંદ કેજરીવાલ જેલમાંથી આવશે બહાર, 1 જૂન સુધી વચગાળાના જામીન

અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આજે કેજરીવાલને 1 જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવા માટે કોર્ટમાં અરજી કરી હતી. મહત્વનું છે કે, અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

EDની કસ્ટડીમાં રહેલા કેજરીવાલ વતી કહેવામાં આવ્યું હતું કે, ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા માટે તેમને જામીન મળવી જોઈએ. જો કે, તપાસ એજન્સીએ પહેલા જ AAP વડાને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે જો કેજરીવાલને જામીન આપવામાં આવશે તો તેનાથી ખોટો સંદેશ જશે. તેની સાથે કોઈ ખાસ વ્યક્તિની જેમ વ્યવહાર કરી શકાય નહીં. જો કે જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે દલીલો સાંભળ્યા બાદ કેજરીવાલને જામીન આપ્યા હતા.

આ પણ વાંચો: ધમકીભર્યા મેઇલ મામલે મોટો ખુલાસો – આરોપીની વેર ફેલાવવાની માનસિકતા, ISI કનેક્શન નથી ખૂલ્યું

EDએ જામીનનો વિરોધ કરતી એફિડેવિટ દાખલ કરી
છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે, તે અરવિંદ કેજરીવાલને જામીન આપી શકે છે. આ જ કારણ હતું કે EDએ ગુરુવારે કેજરીવાલની અરજીનો વિરોધ કરીને એફિડેવિટ દાખલ કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું હતું કે કાયદા દરેક માટે સમાન છે અને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવો એ મૂળભૂત, બંધારણીય કે કાયદાકીય અધિકાર નથી.

તપાસ એજન્સીએ કહ્યું હતું કે પ્રચાર માટે કોઈ રાજકીય નેતાને જામીન આપવામાં આવ્યા નથી. શ્રી કેજરીવાલને AAP ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે જેલમાંથી બહાર આવવા દેવાથી ખોટી દાખલો બેસશે. અગાઉ મંગળવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 20 મે સુધી લંબાવી હતી.