May 20, 2024

એર ઈન્ડિયા એક્સપ્રેસે સમજૂતી કરી, 25 ક્રૂ મેમ્બરની ટર્મિનેશન પણ પાછી ખેંચી

Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે ક્રૂ મેમ્બર્સ સાથે સમજૂતી કરી છે. એરલાઈન્સ તરફથી 25 ક્રૂ મેમ્બરને મોકલેલા ટર્મિનેશન લેટર પાછી ખેંચવા માટે સંમત થઈ છે. એરલાઇનના ક્રૂ મેમ્બરોએ પણ તેમની હડતાળ પાછી ખેંચી છે. એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરોએ પગાર, ભથ્થા અને કામકાજની સ્થિતિને લગતી તેમની માંગણીઓને લઈને હડતાળ શરૂ કરી હતી.

મુખ્ય શ્રમ કમિશનર (CLC) ના કાર્યાલય ખાતે ક્રૂ સભ્યો અને મેનેજમેન્ટ સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એર ઈન્ડિયા એક્સપ્રેસના ચીફ ઓફિસર અને અન્ય ચાર લોકો અને 20 થી વધુ વરિષ્ઠ ક્રૂ સભ્યો હાજર હતા.

ક્રૂ મેમ્બરનું ટર્મિનેશન કેન્સલ
એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ક્રૂની બેઠક બાદ ભારતીય મજદૂર સંઘના સેક્રેટરી ગિરીશ ચંદ્ર આર્યએ કહ્યું કે, ‘ચીફ લેબર કમિશનરે અમને એર ઈન્ડિયા એક્સપ્રેસ કટોકટીમાં સમાધાનની કાર્યવાહી માટે બોલાવ્યા હતા. ક્રૂ સભ્યોની તમામ સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 25 ક્રૂ સભ્યોની બરતરફી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. તમામ ક્રૂ મેમ્બર્સ તાત્કાલિક અસરથી ડ્યુટી માટે રિપોર્ટ કરશે. અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા કરવા માટે 28 મેના રોજ બીજી બેઠક મળશે.

એરલાઇનની 85 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી
ક્રૂ મેમ્બરે અચાનક બીમાર હોવાનો દાવો કર્યો, જેના કારણે લગભગ 85 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી. નોંધનીય છે કે, એર ઈન્ડિયા એક્સપ્રેસે બુધવારે (8 મે) ના રોજ અસુવિધા માટે માફી માંગી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ મામલે એર ઈન્ડિયા એક્સપ્રેસ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો. આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા વિનંતી કરવામાં આવી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને તેમના ક્રૂ સભ્યો વચ્ચે ચાલી રહેલી સમાધાન પ્રક્રિયામાં, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને પણ વિવિધ નિયમોની માહિતી મેળવવા માટે એક પક્ષ બનાવવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ ડીજીસીએને સમાધાન પ્રક્રિયામાં પક્ષકાર બનાવવાની માહિતી પ્રાદેશિક શ્રમ કમિશનરે ગયા સપ્તાહે મોકલી હતી.