May 19, 2024

ઇલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમે SBIને બરાબર ઝાટકી, કહ્યું – આવતીકાલ સુધીમાં માહિતી આપો

Supreme court of india said to sbi to give information about electoral bond within tomorrow

ફાઇલ તસવીર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં SBIને રાહત આપવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, SBIએ આવતીકાલ સુધીમાં જ માહિતી આપી દેવી અને ચૂંટણી પંચે તે માહિતી 15 માર્ચ સુધીમાં જાહેર કરવી જોઈએ. SBIએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ઈલેક્ટોરલ બોન્ડની માહિતી આપવાની સમયમર્યાદા 30 જૂન સુધી લંબાવવાની માગણી કરી હતી. SBI વતી સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે હાજર થયા હતા. સાલ્વેએ કોર્ટને જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SBIએ નવા ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, પરંતુ સમસ્યા એ છે કે ઈસ્યૂ કરવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડની સમગ્ર પ્રક્રિયાને ઉલટાવવી પડશે અને તેમાં સમય લાગશે. જો કે, સુપ્રીમ કોર્ટે SBIની દલીલ સ્વીકારવાની ના પાડી હતી અને આવતીકાલ સુધીમાં જ માહિતી આપવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે એસબીઆઈને ઝાટકી
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યુ કે, ‘તમે (એસબીઆઈ) કહી રહ્યા છો કે દાતાઓ અને રાજકીય પક્ષોની માહિતી મુંબઈમાં એસબીઆઈની મુખ્ય શાખામાં સીલબંધ કવર સાથે છે. મેચિંગ પ્રક્રિયામાં સમય લાગશે, પરંતુ અમે તમને મેચિંગ કરવા માટે કહ્યું નથી અને માત્ર સ્પષ્ટ જાહેરાત કરવા માટે કહ્યું છે.’ કેસની સુનાવણી કરી રહેલી બંધારણીય બેંચના સભ્ય જસ્ટિસ ખન્નાએ SBIના વકીલ હરીશ સાલ્વેને કહ્યું કે, ‘તમે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડની સંપૂર્ણ માહિતી સીલબંધ કવર પરબિડીયામાં રાખવામાં આવે છે, તેથી આવી સ્થિતિમાં તમારે માત્ર સીલવાળું કવર ખોલીને જ માહિતી આપવાની રહેશે.’

CJIએ SBIને ઠપકો આપતા કહ્યું કે, ‘અમે 15મી ફેબ્રુઆરીએ આદેશ આપ્યો હતો અને આજે 11મી માર્ચ છે. તો તમે છેલ્લા 26 દિવસમાં શું કર્યું? તમારે જણાવવું જોઈએ કે આટલું કામ થઈ ગયું છે અને હવે આટલા કામ માટે વધુ સમય જોઈએ છે… અમે SBI પાસેથી નિખાલસતાની અપેક્ષા રાખીએ છીએ.’ તેના પર એસબીઆઈના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, જો તમે મેચિંગ ન ઈચ્છતા હોવ તો અમે ત્રણ અઠવાડિયામાં સંપૂર્ણ માહિતી આપી શકીએ છીએ. જો કે, કોર્ટે SBIની દલીલ સ્વીકારવાની ના પાડી હતી અને SBIને આવતીકાલે એટલે કે 12 માર્ચ સુધીમાં માહિતી આપવાનો આદેશ આપ્યો હતો. તેમજ ચૂંટણી પંચને આ માહિતી 15 માર્ચ સુધીમાં સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે SBIની અરજી ફગાવી દીધી હતી. એમ પણ કહ્યું કે, ‘એસબીઆઈના ચેરમેન અને એમડીએ આદેશનું પાલન કરવા માટે એફિડેવિટ ફાઇલ કરવી જોઈએ. અમે આ વખતે SBI સામે તિરસ્કારની કાર્યવાહી કરી રહ્યા નથી, પરંતુ અમે SBIનું ધ્યાન દોરવા માગીએ છીએ કે, જાણીજોઈને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ અને નિર્ધારિત સમયની અંદર સૂચનાઓનું પાલન ન કરવા બદલ બેંક સામે અવમાનના પગલાં લેવામાં આવશે.’

સુપ્રીમ કોર્ટે SBI અને ADRની અરજી પર સુનાવણી
સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અરજી પર સુનાવણી કરી હતી. જેમાં SBI બેંકે ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત માહિતી શેર કરવાની સમયમર્યાદા 30 જૂન સુધી લંબાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત આજે સુપ્રીમ કોર્ટે એનજીઓ એડીઆરની અરજી પર પણ સુનાવણી કરી હતી, જેમાં એસબીઆઈ સામે તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી હતી. ADRની અરજીમાં આરોપ છે કે, SBIએ જાણીજોઈને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, SBIએ 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડની માહિતી આપવી જોઈએ અને ચૂંટણી પંચે તે માહિતી 13 માર્ચ સુધીમાં સાર્વજનિક કરવી જોઈએ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે આ અરજીઓ પર સુનાવણી કરી હતી. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ઉપરાંત બેન્ચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે.

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર પ્રતિબંધ મૂક્યો હતો
15 ફેબ્રુઆરીના રોજ પાંચ જજની બંધારણીય બેન્ચે કેન્દ્રની ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમની એકમાત્ર નાણાકીય સંસ્થા SBI બેંકને 12 એપ્રિલ, 2019થી અત્યાર સુધીમાં 6 માર્ચ સુધીમાં ચૂંટણી બોન્ડની ખરીદી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો આદેશ આપ્યો હતો.