May 20, 2024

‘સાત દિવસમાં જવાબ આપો’, કર્ણાટક પોલીસે જેપી નડ્ડા અને અમિત માલવિયાને સમન્સ પાઠવ્યું

JP Nadda Amit Malviya Summoned: કર્ણાટક પોલીસે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને આઈટી સેલના વડા અમિત માલવિયાને SC/ST સમુદાય વિરુદ્ધ ભાજપ કર્ણાટક દ્વારા કથિત રીતે પોસ્ટ કરવામાં આવેલા ટ્વિટના સંબંધમાં સમન્સ મોકલ્યા છે. બંને નેતાઓને 7 દિવસમાં બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે રમેશ બાબુ નામના વ્યક્તિએ 5 મે, 2024ના રોજ હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં આવીને બીજેપીના કર્ણાટક એક્સ હેન્ડલ પર પોસ્ટ કરેલા વીડિયો અંગે ફરિયાદ નોંધાવી હતી.

સાત દિવસ હાજર રહેવા જણાવ્યું હતું
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ‘તે વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે વીડિયોનો હેતુ SC/ST સમુદાય વિરુદ્ધ નફરત અને દૃર્ભાવના પેદા કરવાનો હતો.’ આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.” ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટી આઈટી સેલના વડા અમિત માલવિયાને નોટિસ મળ્યાના સાત દિવસમાં સવારે 11 વાગ્યે હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે પોસ્ટ હટાવવા સૂચના આપી હતી
મંગળવારે (7 મે), ચૂંટણી પંચે X પ્લેટફોર્મના નોડલ ઓફિસરને પત્ર લખીને ભાજપ કર્ણાટકની વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટને તાત્કાલિક દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. નોડલ ઓફિસરને આપવામાં આવેલી નોટિસમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે કર્ણાટક ભાજપની પોસ્ટ વર્તમાન કાયદાકીય માળખાનું ઉલ્લંઘન છે.

કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી
ANI રિપોર્ટ અનુસાર, 4 મેના રોજ કર્ણાટક બીજેપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક એનિમેટેડ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અનામત વિવાદ પર પાર્ટી પર નિશાન સાધતા જોવા મળ્યા હતા. આ પછી, કોંગ્રેસ પાર્ટીએ 5 મેના રોજ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી, આરોપ લગાવ્યો કે કર્ણાટક ભાજપ રમખાણો ભડકાવવા માંગે છે.