પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન? મુર્શિદાબાદ હિંસા પછી રાજ્યપાલે રિપોર્ટ સોંપ્યો

કોલકાતાઃ …જો પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ વધુ વણસે છે, તો કેન્દ્ર કલમ 356 (રાષ્ટ્રપતિ શાસન) લાદવા માટે તૈયાર છે. બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરના રમખાણો અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક અહેવાલ સુપરત કર્યો છે. જેમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ‘કટ્ટરવાદ અને ઉગ્રવાદની બેવડી સમસ્યા’ રાજ્ય માટે એક ગંભીર પડકાર બની ગઈ છે.
બોઝે તેમના અહેવાલમાં અનેક પગલાં સૂચવ્યાં છે, જેમાં તપાસ પંચની રચના અને બાંગ્લાદેશની સરહદે આવેલા જિલ્લાઓમાં કેન્દ્રીય દળોની ચોકીઓ સ્થાપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે લખ્યું છે કે, ‘એ કહેવાની જરૂર નથી કે બંધારણની કલમ 356 હેઠળની જોગવાઈઓ પણ એક વિકલ્પ રહેશે.’
આ રિપોર્ટમાં બંધારણની કલમ 356 હેઠળ જોગવાઈઓનાં ઉલ્લેખ વિશે પૂછતાં એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતુ કે, ‘રાજ્યપાલે કલમ 356 લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો નથી. તેમનો મતલબ એ હતો કે, જો રાજ્યમાં પરિસ્થિતિ વધુ વણસે છે, તો કેન્દ્ર બંધારણની કલમ 356ની જોગવાઈઓ પર વિચાર કરી શકે છે.’ બંધારણની કલમ 356ના અમલીકરણનો અર્થ એ છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું.
રાજ્યપાલે એવી આશંકા વ્યક્ત કરી કે, મુર્શિદાબાદ હિંસાની અસર રાજ્યના અન્ય જિલ્લાઓ પર પડી શકે છે અને ભલામણ કરી કે કેન્દ્ર સરકારે લોકોમાં કાયદાના શાસનમાં વિશ્વાસ જગાડવા ઉપરાંત વર્તમાન પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે બંધારણીય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ.
બોસે તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે, ‘પશ્ચિમ બંગાળ માટે ખાસ કરીને બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બે જિલ્લાઓ – મુર્શિદાબાદ અને માલદા – માટે કટ્ટરવાદ અને ઉગ્રવાદની બેવડી સમસ્યાઓ એક ગંભીર પડકાર બની ગઈ છે. આ બંને જિલ્લાઓમાં પ્રતિકૂળ વસ્તી વિષયક માળખું છે અને હિન્દુઓ લઘુમતીમાં છે.’
રાજ્યપાલે હિંસા પછીની પરિસ્થિતિમાં લેવા માટેના અનેક પગલાં સૂચવ્યા હતા. હિંસામાં એક પુરુષ અને તેના પુત્ર સહિત ઓછામાં ઓછા ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. વકફ (સુધારા) કાયદાના વિરોધ વચ્ચે આ રમખાણો થયા હતા.