વડોદરામાં ગેંગવોર જામ્યું, અલ્પુ સિંધી સહિત સાગરીતોએ અન્ય બુટલેગરને ફટકાર્યો

વડોદરાઃ શહેરમાં બુટલેગરો વચ્ચે ગેંગવોર જામ્યું છે. બુટલેગર અલ્પુ સિંધી અને સાગરીતોએ અન્ય બુટલેગરને માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે ઈજાગ્રસ્ત બુટલેગર હેરી લુધવાણીએ આ મામલે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, બુટલેગર અલ્પુ સિંધી દારૂનો કુખ્યાત સપ્લાયર છે. એ અગાઉ જેલમાં હતો ત્યારે હું બહાર હતો. જેલમાંથી એના માણસોના માધ્યમથી ખંડણી માગી હતી.

તેઓ વધુમાં જણાવે છે કે, દારૂની એક પેટી પર અલ્પુ સિંધી 500 રૂપિયા ખંડણી માગે છે. વારસીયા પોલીસ મથકમાં અલ્પુ સિંધીએ મારા મિત્રને ધમકી આપી હતી. ફતેગંજમાં મને માથા પર ચપ્પુ માર્યું અને શરીર પર પાઇપથી હુમલો કર્યો હતો. અલ્પુએ ખંડણી રૂપે કાર આંચકી લીધી હતી. કાર પરત માંગતા હેરીને માર મારવામાં આવ્યો હતો.

કુખ્યાત અલ્પુ સિંધીને પૂર્વ કુખ્યાત ડોન મુકેશ હરજાણી બનવાના અભરખા છે. ત્યારે હુમલા પૂર્વેના CCTV ફૂટેજ વાયરલ થયા છે. અલ્પુ સિંધી 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. અલ્પુને શોધવા પોલીસની ટીમો દ્વારા તેના આશ્રયસ્થાનો પર તપાસ કરવામાં આવી રહી છે. આરોપીને પકડવા ફતેગંજ પોલીસની ટીમો સાથે ક્રાઇમ બ્રાન્ચ, SOG, PCB સહિતની ટીમો પણ જોડાઈ છે.