ઈરાન સાથે પરમાણુ કરાર કરવા માંગે છે ટ્રમ્પ, સુપ્રીમ લીડર ખામેનેઈને લખ્યો પત્ર

US Nuclear Deal With Iran: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન સાથે પરમાણુ કરાર પર વાતચીત કરવા માંગે છે અને તેમણે ઈરાનના સુપ્રીમ લીડરને આ અંગે એક પત્ર મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને આશા છે કે તેઓ વાતચીત માટે સંમત થશે.
ન્યૂઝ એજન્સી અનુસાર, ટ્રમ્પે આજે ફોક્સ બિઝનેસ નેટવર્ક સાથેની એક મુલાકાતમાં કહ્યું, “મેં કહ્યું કે મને આશા છે કે તમે વાટાઘાટો કરશો, કારણ કે તે ઈરાન માટે ઘણું સારું રહેશે. મને લાગે છે કે તેઓ તે પત્ર મેળવવા માંગે છે. બીજો વિકલ્પ એ છે કે આપણે કંઈક કરવું પડશે, કારણ કે તમે બીજા પરમાણુ હથિયાર બનાવવાની મંજૂરી આપી શકતા નથી.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ઈરાન સાથે ડીલ કરવાના બે રસ્તા છે, એક સૈન્ય છે અથવા તમે સમજૂતી કરો. હું સમજૂતી કરવા માંગુ છું કારણ કે હું ઈરાનને નુકસાન પહોંચાડવા માંગતો નથી. તેઓ મહાન લોકો છે.” હાલમાં, આ મામલે ઈરાનના વિદેશ મંત્રાલય તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આવી નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા પણ પરમાણુ કરાર કરવાનો પ્રયાસ કર્યો હતો
ઈરાન ન્યુક્લિયર ડીલ પર વાટાઘાટો 2015માં શરૂ થઈ હતી. જો કે 2018માં ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકા તેનાથી અલગ થઈ ગયું હતું, પરંતુ બાઇડેન વહીવટીતંત્ર દરમિયાન પણ ઈરાન સાથે પરમાણુ કરાર માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.