ખેરોજ પાસે બસ, બાઈક અને જીપ વચ્ચે ત્રિપલ અકસ્માત, મૃત્યુઆંક 5 પર પહોંચ્યો

ચિરાગ મેઘા, સાબરકાંઠા: સાબરકાંઠામાં અકસ્માતોની વણઝાર હજુ પણ યથાવત હોય તેમ આજે વધુ એક ગમખ્વાર અકસ્માત ખેડબ્રહ્માના હિંગટીયા પાસે સર્જાયો હતો. જેમાં પાંચ વ્યક્તિઓના મોત થયા છે. તેમજ અન્ય બે લોકો અતિ ગંભીર હોવાના પગલે વેન્ટિલેટર ઉપર રખાયા છે. સાથોસાથ પાંચની સ્થિતિ ગંભીર બતાવાઈ રહી છે. જોકે ત્રિપલ અકસ્માતના પગલે આવનારા સમયમાં CCTV સહીત સ્થાનિકોની મદદ લઈ આગળની વધુ તપાસ હાથ ધરાશે.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી મોતની સવારી કરનારા ખાનગી વાહનો હજુ પણ યથાવત છે. આજે ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ અતિ ગંભીર હોવાના પગલે વેન્ટિલેટર ઉપર રખાયા છે. જોકે વધુ સારવારની જરૂરિયાત ઊભી થાય તો તેમને અમદાવાદ મોકલવાની પણ તજવીજ હાથ ધરાશે. ખેડબ્રહ્માથી ખેરોજ તરફ઼ જઈ રહેલ ખાનગી જીપ, બાઈક તેમજ બસ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી છે. અંતરીયાળ વિસ્તારમાં મોતની સવારી કરાવનાર ખાનગી જીપને બસ વચ્ચે અકસ્માત સર્જાતા એક બાળકી સહિત ચાર વ્યક્તિઓના મોત થતાં સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો સહિત સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જોકે હિંગટિયા નજીક અકસ્માત સર્જાતા મૂર્તકોને પી.એમ અર્થે મટોડા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં અવાર નવાર મોતની સવારી કરાવનાર ખાનગી વાહનો સાથે સર્જાતા અકસ્માતમાં નિર્દોષ નાગરિકોના મોત થતાં હોઈ છે. જોકે ખેડબ્રહ્મા ખેરોજ વચ્ચેના હિંગટિયા પાસે ત્રિપલ અકસ્માતમાં પાંચ પેસેન્જરના મોતને લઈ પોલીસ તંત્ર સહિત હાઈવે ઓથોરિટી સામે સ્થાનિકો સહિત પરિવારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. એકતરફ સુરક્ષા અને સલામતીની વાતો વચ્ચે થોડાક વધુ કમાવી લેવાની લાયમાં ખાનગી સટલિયા ચાલકો મુસાફરોને મોતની સવારી કરાવતા હોય છે. ત્યારે ક્યારેક મોતની સવારીને અકસ્માત બાદ પોલિસ તંત્ર દ્વારા ખાનગી સટલીયા ચાલકો સહિત વાહનો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્રિપલ અકસ્માતને પગલે ડી.વાઈ.એસ.પી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે આજના ગમખ્વાર અકસ્માતમાં એક બાળકી સહિત અન્ય ચાર નિર્દોષ મુસાફરોના મોત બાદ તંત્ર દ્વારા મોતની સવારી કરાવનાર ખાનગી સટલિયા ચાલકો સહિત વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

જોકે એક તરફ છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની વર્ણથંબી વણઝારા યથાવત છે. ત્યારે આવનારા સમયમાં સ્થાનિક કક્ષાએ મોતની સવારી કરાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો હજુ પણ અકસ્માતોની વર્થંબી વણઝાર યથાવત રહેશે તે નક્કી છે.

રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓના નામ

  1. પોપટભાઈ સકાભાઈ તરાલ (ઉ.વ.પુખ્ત, રહે:બુબડિયાના છાપરા, તા-ખેડબ્રહ્મા)
  2. સાયબાભાઈ ગલબભાઈ બેગડીયા (ઉ વ:પુખ્ત, રહે: ચાંગોદ ,તા-ખેડબ્રહ્મા)
  3. મંજુલાબેન બચુભાઈ બેગડીયા (બાળકી ઉંમર: આશરે 1 વર્ષ, રહે: ચાંગોદ ,તા-ખેડબ્રહ્મા)
  4. અજયભાઈ નવાભાઈ ગમાર, (ઉ.વ:પુખ્ત, રહે:નાડા,તા-પોશીના)
  5. કેતન રાઠોડ (ઉ વ: 26)