સુરતમાં વર્ક પરમિટના નામે છેતરપિંડી આચરતા આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં લોકો સાથે વર્ક પરમીટ વિઝા આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલ દ્વારા કરવામાં આવી છે. ફરિયાદી પાસેથી 28,51,000 રૂપિયા ઉપરાંત અન્ય લોકો પાસેથી 5.50 લાખ, 8.60 લાખ સહિત 42.60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અંતે એકપણ વ્યક્તિને વર્ક પરમિટ-વિઝા ન મળતા તેમણે પોલીસ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ઘણી વખત લોકો વિદેશમાં કામ કરવાની લાલચમાં લાખો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. આવી જ ઘટના સુરતમાં સામે આવી છે. જ્યાં વર્ક વિઝા મેળવવાના નામ પર એક વ્યક્તિએ 28 લાખ રૂપિયા ગુમાવ્યા છે. અંતે પોતે છેતરાયા હોવાનું માલૂમ થતા તેમણે સુરત પોલીસને આ બાબતે ફરિયાદ કરી હતી. આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલ દ્વારા બાબતે ફરિયાદ દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર, ફરિયાદી સલોનીબેન વશીએ સોશિયલ મીડિયા instagram પર એક એડવર્ટાઈઝ જોઈ હતી અને તેઓ યુ વીન કનસલ્ટન્સીના પ્રોપરાઇટર પ્રતીક પવાર પાસે ગયા હતા. પ્રતીક પવારની ઓફીસ સુરતમાં પાર્લે પોઇન્ટ નજીક આવેલ રાજહંસ ઓરનેટમાં આવેલી છે. આ ઓફિસમાં ફરિયાદીનો સંપર્ક સાધના પરમાર, વિરલ વશી તેમજ સોનિયા રાઠોડ સાથે થયો હતો. આ તમામે સાથે મળીને ફરિયાદીને યુકેની વર્ક પરમીટ વિઝા અપાવવાનું કહીને ફરિયાદી પાસેથી 28 લાખ 51 હજાર રૂપિયા લીધા હતા. ત્યારબાદ અન્ય વ્યક્તિ કિશન ઘરસંડીયા પાસેથી 5 લાખ 50 હજાર અને પરેશ જાની નામના વ્યક્તિ પાસેથી 8 લાખ 60 હજાર પડાવી લીધા હતા. આમ કુલ ત્રણ વ્યક્તિઓ પાસેથી પ્રતીક, સાધના, સોનિયા અને વિરલે સાથે મળીને 42 લાખ 61 હજાર રૂપિયા પણ આવી લીધા હતા અને ત્યારબાદ એક પણ વ્યક્તિને યુકેના વર્ક પરમિટ વિઝા અપાવ્યા ન હતા.
આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેન્સના આધારે આરોપીની માહિતી એકઠી કરવામાં આવી હતી. તે સમયે પોલીસને બાતમી મળી હતી કે છેતરપિંડીના ગુનામાં ભાગતો ફરતો આરોપી વિરલ વશી તેના ઘર નજીક ફરી રહ્યો છે. ત્યારે પોલીસે સુરતના પાલ વિસ્તારમાં આવેલ ગૌરવ પથ રોડ પર ઓર્ચીડ ઇન્ફીનિટીની નજીકથી આરોપી કિરણ વશીની બાતમીના આધારે ધરપકડ કરી હતી. ઇકો સેલ દ્વારા આરોપી વિરલ વશીની ધરપકડ બાદ હવે તેની પૂછપરછ કરવામાં આવશે કે તેને અત્યાર સુધીમાં આ પ્રકારે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે.