સુરતના અલથાણમાં તસ્કરે ચોરી કરી ઓફિસમાં આગ લાગવી, CCTVના આધારે પોલીસે કરી ધરપકડ

અમીત રૂપાપરા, સુરત: સુરતના અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઓફિરા બિઝનેસ હબની એક ઓફિસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત અન્ય દુકાનોમાં ચોરીની ઘટના પણ સામે આવી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહેલા ચોરના શરીર પર બનાવવામાં આવેલા ટેટુના આધારે અલથાણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સુરતના અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઓફિરા બિઝનેશ હબમાં થોડા દિવસ પહેલા આગની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા સામે આવ્યું હતું કે ઓફીરા બિઝનેસ હબમાં જે આગની ઘટના બની હતી. તેમાં આગ લાગી ન હતી પરંતુ ઓફિસની અંદર ચોરીની ઘટના બાદ આગ લગાવવામાં આવી હતી. આ ઉપરાંત આ બિઝનેસ હબની અન્ય દુકાનોમાં પણ એક ઈસમ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તેથી પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
અલથાણ પોલીસ દ્વારા આ ચોરને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી અને આ ટીમના 10 જેટલા લોકોએ અલગ અલગ દુકાનના 40 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરીને ચોરીની ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. મહત્વની વાત છે કે પોલીસ દ્વારા જ્યારે આગની ઘટના બાબતે તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે પોલીસના હાથે એક CCTV ફૂટેજ લાગ્યા હતા અને આ સીસીટીવી ફૂટેજ ખૂબ જ અગત્યના હતા. કારણકે CCTV ફૂટેજમાં પહેલા જે જગ્યા પર આગ લાગી હતી ત્યાં એક ઈસમના આટાફેરા પોલીસને જણાયા હતા અને ત્યાર બાદ આગની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું.
અલથાણ પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે આરોપી વિમલસિંગ ઉર્ફે ભોલા રાજપુતની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સુરતના પાંડેસરા વિસ્તારમાં ગોવાલક પાટીયા પાસે રહે છે અને આરોપી સામે અગાઉ પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છ જેટલા ગુનાઓ દાખલ થયા છે.
આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને એક સીસીટીવી ફૂટેજ ખૂબ જ મદદરૂપ થયા હતા. કારણ કે સીસીટીવી ફૂટેજમાં આરોપીના ગળાના ભાગમાં બનાવવામાં આવેલ ટેટુ કેદ થયું હતું અને ટેટુના આધારે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. તો બીજી તરફ અલથાણ પોલીસ દ્વારા સીસીટીવી મેળવવા પણ ખૂબ મુશ્કેલ હતા. કારણ કે જે દુકાનમાં આગ લાગી હતી તે દુકાનમાં આગની ઘટનામાં સીસીટીવીનું ડીવીઆર બળીને ખાખ થઈ ગયું હતું. તેથી પોલીસ દ્વારા આ ડીવિઆરને સાયબર પોલીસને આપવામાં આવ્યું હતું અને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડીવીઆરમાંથી સીસીટીવી ફૂટેજ રિકવર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ રિકવર કરેલા સીસીટીવી ફૂટેજના આધારે અલથાણ પોલીસ આરોપી સુધી પહોંચી શકી હતી.