‘સરહદ નજીક રહેતા લોકો બે મહિના માટે રાશનનો સ્ટોક રાખે’: પાક.એ PoKના લોકોને આપ્યો આદેશ

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. સામાન્ય લોકોથી લઈને રાજકારણીઓ સુધી, દરેક વ્યક્તિ પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સમગ્ર દેશ સર્વસંમતિથી ભારત સરકારને વિનંતી કરી રહ્યો છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ભારત પરત લાવવાનો સમય આવી ગયો છે. ભારત સરકારના આકરા નિર્ણયોથી પાકિસ્તાન ડરી ગયું છે. આ દરમિયાન, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થાનિક વહીવટીતંત્રે સરહદ નજીક રહેતા લોકોને બે મહિના માટે રાશનનો સ્ટોક રાખવાની અપીલ કરી છે.

સમાચાર એજન્સી AFPના અહેવાલ મુજબ, 13 મતવિસ્તારોમાં બે મહિના માટે અનાજનો પુરવઠો સંગ્રહિત કરવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ 13 મતવિસ્તારોમાં અનાજ, દવાઓ અને અન્ય તમામ મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવા માટે 1 અબજ રૂપિયાનું ઇમરજન્સી ફંડ પણ બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે નિયંત્રણ રેખા પાસેના વિસ્તારોમાં રસ્તાઓની જાળવણી માટે સરકારી અને ખાનગી મશીનરી પણ તૈનાત કરવામાં આવી રહી છે.

પાકિસ્તાને આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે તેની પાસે વિશ્વસનીય પુરાવા છે કે ભારત હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ડરને કારણે, પીઓકેમાં પાકિસ્તાની અધિકારીઓએ ગુરુવારે (1 મે, 2025) 10 દિવસ માટે 1000થી વધુ ધાર્મિક શાળાઓ બંધ કરી દીધી છે.