પાલડી વિસ્તારની અંકુર સ્કૂલના સ્પોર્ટ્સ શિક્ષકે વિદ્યાર્થિનીનું કર્યું શારીરિક શોષણ, પોલીસે કરી ધરપકડ

અમદાવાદ: શહેરના પાલડી વિસ્તારની અંકુર સ્કૂલના તત્કાલીન શિક્ષક દ્વારા શારીરિક શોષણ કરવાના મામલે આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. કબડ્ડીના સ્પોર્ટ્સ ટીચરે સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફોર્મ ભરવાનું કહીને હોટેલ પર લઈ જઈને કપડા ઉતરાવી ફોટો-વીડિયો ઉતારીને લગ્ન કરવા દબાણ કરતો હોવાનો આરોપ લાગ્યો હતો. જે મામલે 22 એપ્રિલના રોજ સરખેજ પોલીસ સ્ટેશનમાં શિક્ષક યશ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ હતી.
પાલડી-ફતેપુરાની અંકુર સ્કૂલના સ્પોર્ટ્સના શિક્ષક વિરુદ્ધ એક વિદ્યાર્થિનીની માતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે સ્કૂલના સ્પોર્ટ્સ ટીચર યશ વાઘેલાએ કબડ્ડીમાં ભાગ લેવા ફોર્મ ભરવાના તેમજ સ્પોર્ટ્સની ટિકિટ લેવાના બહાને તેમની દીકરીને હોટેલના રૂમમાં લઈ જઈ નિર્વસ્ત્ર કરી ફોટો-વીડિયો ઉતારી લીધા હતા. ત્યાર બાદ શિક્ષકે બ્લેકમેલ કરી લગ્ન માટે દબાણ કરતો હતો. યશ વાધેલા તેને ફોર્મમાં સહી-સ્ટેમ્પ કરાવવા નિકોલ જવાનું છે તેવું કહી ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પાસે એક રૂમમાં લઈ ગયો હતો. ત્યાં યશે જબરદસ્તીથી કપડાં ઉતારી નિર્વસ્ત્ર કરી હતી.
બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેની પોલીસ શોધખોળ કરી રહી હતી. ત્યારે સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી બનાવ બાદ રાજ્ય બહાર જતો રહ્યો હતો જે પરત આવતા જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.