વડાલીના કુબાધરોલ ગામે પાટીદારોની સરકાર સામે જંગની શરૂઆત, લગ્ન નોંધણીમાં ફેરફાર કરવા આંદોલન

ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ વડાલીના કુબાધરોલ ગામે એસ.પી.જી ગ્રુપ દ્વારા ફરીવાર સમાજની દીકરીઓના લગ્ન નોંધણીમાં ફેરફાર કરવા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. જો કે, ધારાસભ્ય તેમજ સાંસદ સભ્યના સમર્થન હોવા છતાં સરકારે હજુ સુધી કોઈ પગલાં નથી લેવાયા. ત્યારે આવનારા સમયમાં જો સરકાર દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર ન થાય તો ફરી એકવાર પાટીદાર સમાજ દ્વારા આંદોલનની શરૂઆત કરી છે.

સાબરકાંઠાના વડાલીના કુબાધરોલ ગામે પાટીદાર સમાજ દ્વારા સર્વ સમાજના હિતાર્થે લગ્ન નોંધણીમાં ફેરફાર મામલે જાહેર સંમેલન યોજાયું છે. જેમાં પ્રમુખ લાલજીભાઈ પટેલ સહિત અન્ય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તબક્કે પ્રેમલગ્ન કરનારા દંપતી માટે રાજ્ય સરકાર દ્વારા ફેરફાર કરવાના મામલે મૂળભૂત કાયદામાં માતાપિતાની મંજૂરી વિના પ્રેમલગ્ન ન થાય તે માટે રજૂઆત કરાઈ હતી. તેમજ અસામાજિક તત્વો દ્વારા 18 વર્ષની દીકરીઓને પ્રેમલગ્ન માટે નિશાન બનાવવામાં આવે છે. 18 વર્ષની વયને પુખ્તવય ગણતા હોવાથી મતાધિકાર આપવામાં આવે છે. ત્યારે લગ્ન માટે પણ સ્વતંત્રતા હોવાના પગલે કેટલીય દીકરીઓ અન્ય સમાજો સહિત વિધર્મીઓ અને અસામાજિક તત્વોની ભોગ બને છે. ત્યારે આજે કુબાધરોલ ગામે યોજાયેલી બેઠકમાં જાહેર પંચ ઉપરથી રાજ્ય સરકાર સામે આંદોલનની શરૂઆત કરી છે. જેમાં મોટી સંખ્યામાં સમાજના સહિત અન્ય સમજદાર લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમાજની દીકરીઓએ એસ.પી.જી ગ્રુપની વાતને સ્વીકારી સર્વ સમાજના હિત માટે આ વાતને વધાવી છે.

‘જય સરદાર, જય પાટીદાર’ના નારાથી શરૂ થયેલો પ્રેમલગ્ન નોંધણી ફેરફારના આંદોલનના શ્રીગણેશ સાબરકાંઠાના વડાલીના કુબાધરોલ ગામથી થઈ ચૂક્યા છે. રાજ્ય સરકારમાં 62 ધારાસભ્ય તેમજ 10 સાંસદ સભ્યથી પ્રેમલગ્ન નોંધણીમાં ફેરફાર કરવાને સમર્થન જાહેર કરાવ્યું હોવા છતાં છેલ્લા પાંચ વર્ષથી સરકાર કોઈપણ પ્રકારના પ્રયાસ હાથમાં ધરાવમાં આવ્યાં નથી. ત્યારે હવે પાટીદાર સમાજ ફરી એકવાર આંદોલનના માર્ગે આગળ વધી રહ્યો છે. આ સાથે અન્ય સમાજના લોકોએ પણ લગ્ન નોંધણી મામલે સંપૂર્ણ ટેકો આપતા હવે આંદોલનનો માર્ગ ફરી એકવાર પાટીદાર સહિત અન્ય સમાજ પણ એકરૂપ થઈ રહ્યા છે. વિધર્મીઓ તેમજ અસામાજિક તત્વો દ્વારા પ્રેમલગ્ન નોંધણી માગણી માતાપિતાની સહમતિ ન હોવા છતાં લગ્નના બહાને કેટલીય દીકરીઓના જીવન બરબાદ થઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર સામે આજથી શરૂ થયેલું આ આંદોલન આવનારા સમયમાં ગાંધીનગર સહિત કેન્દ્ર કક્ષાએ વ્યાપક બને તે રીતે આગળ વધી રહ્યું છે.

આવનારા સમયમાં પ્રેમલગ્ન નોંધણી મામલે રાજ્ય સરકાર કેટલી ગંભીર બનશે તેમજ પાટીદાર સમાજ દ્વારા આંદોલનના માર્ગ થકી શરૂ કરાયેલો મુદ્દો કેટલો સફર બની રહેશે તે મહત્વપૂર્ણ બની રહેશે.