બટાકાના ખેડૂતોનું સંમેલન, પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો પગલાં ભરવા રજૂઆત

ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ હિંમતનગરમાં માર્કેટયાર્ડમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંતર્ગત બટાકાની ખેતી કરતા ખેડૂતોનું એક સંમેલન યોજાયું હતું. જેમાં બટાકા પકાવનારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ તેમજ વિવિધ કંપનીઓ દ્વારા ખેડૂતોના મામલે લેવાતા નિર્ણયો સામે રજૂઆત થઈ હતી. આ સાથે આગામી સમયમાં આ મામલે ચોક્કસ પગલાં ભરવા રાજ્ય સરકાર સહિત ખાનગી કંપનીઓને રજૂઆત કરી હતી.

સાબરકાંઠાના હિંમતનગર ખાતે એપીએમસી માર્કેટમાં મોટાભાગના તાલુકાઓના પ્રતિનિધિ સ્વરૂપ ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ જિલ્લામાં આ વર્ષે 35 હજાર હેક્ટરથી વધારેમાં બટાકાનું વાવેતર થયું છે. ત્યારે વિવિધ કંપનીઓ દ્વારા બિયારણ સહિત તૈયાર થયેલા પાકમાં મોટી કપાત આપવા તેમજ એગ્રીમેન્ટ મામલે મોટાપાયે ચર્ચા વિચારણાઓ તેમજ રજૂઆતો કરવામાં આવી હતી. જો કે, એક તરફ જગતના તાતનું બિરુદ પામેલો ખેડૂત ખાનગી કંપનીઓના કરાર મામલે પણ રજૂઆત કરી હતી. ચોક્કસ નિર્ણય ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ વિચારવામાં આવી છે.

સામાન્ય રીતે રોકડિયા પાક તરીકે બટાકાનું વાવેતર દિન-પ્રતિદિન વધી રહી છે. તેમજ ખેડૂતો પણ બટાકાના પાક મામલે વધારે ગંભીર બની રહ્યા છે. ત્યારે ખાનગી કંપની દ્વારા બટાકાના વાવેતર પહેલા ભાવ નક્કી કરવામાં આવે છે. જેમાં ઉત્પાદિત થયેલો બટાકાના ભાવ પહેલાથી જ નક્કી કરાયેલું હોય છે. જેમાં કપાત પણ નક્કી કરાયેલા હોવા છતાં કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં તૈયાર પાક ઉપર કપાત આપતા લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, તો ખેડૂતો આ મામલે પણ એકરૂપ બની રહ્યા છે. આ સાથે આગામી સમયમાં ખેડૂતો એકરૂપ બની રાજ્ય સરકાર સહિત ખાનગી કંપનીઓ સામે મોરચો માંડી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર સહિત ખાનગી કંપનીઓ ચોક્કસ પગલાં નહીં લેતો વધુ એકવાર ખેડૂતોના મામલે આંદોલન ઊભું થશે તે નક્કી છે.

સાબરકાંઠાના મોટાભાગના તાલુકાઓમાં 35 હજાર હેક્ટરનું વાવેતર કરાયા બાદ હવે ખાનગી કંપનીઓની સહિત દાદાગીરી વધતા ખેડૂતો આકરા પાણીએ છે. ત્યારે રાજ્ય સરકાર સહિત ખાનગી કંપનીઓ દ્વારા પાયારૂપ પગલાં ન લેવાય તો જગતના તાતને વધુ એકવાર આંદોલનના માર્ગે આગળ વધવું પડશે તે નક્કી છે.