શનિ જન્મસ્થળ હાથલામાં શનિવારી અમાસે ભક્તોનું ઘોડાપૂર, ચંપલ-કપડાં મૂકીને જવાનો મહિમા

સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદરઃ શનિ અમાસ નિમિત્તે પોરબંદરથી 30 કિમી દૂર આવેલા શનિ જન્મસ્થળ હાથલા ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. રાત્રિના 12 વાગ્યાથી હાથલામાં ભકતોની લાંબી કતારો જોવા મળે છે. સામાન્ય રીતે લોકો માનતા પૂરી કરવા ખુલ્લા પગે ધાર્મિક સ્થળોની યાત્રા કરતા હોય છે, પરંતુ શનિમંદિરે લોકો પનોતી ઉતારવા ચંપલ અને કપડાં અહીં મૂકીને જઈ રહ્યા છે તે પણ એક મહિમા છે.
પોરબંદર નજીક હાથલા ગામે ભગવાન શનિદેવનું જન્મસ્થળ આવેલું છે. 29 માર્ચ અમાસ નિમિતે શનિજયંતિનો અનોખો સંયોગ જોવા મળ્યો હતો. હાથલા ગામે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શનિ જન્મસ્થળ એટલે કે શનિ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. રાત્રિથી 5 દર્શનાથીઓ શનિદેવના દર્શન અને પનોતી ઉતારવા પહોંચી રહ્યાં છે. હાથલા ખાતે શ્રદ્ધાળુઓએ શનિકુંડમાં સ્નાન કર્યું હતું. ત્યારબાદ વસ્ત્રો બૂટ-ચંપલ પણ ત્યાં ઉતારી નવાં કપડાં પહેરી શનીદેવને તેલ, સિદૂર, શ્રીફળ વધેરી શિશ ઝુકાવી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. જે રાશીના જાતકોને પનોતી ચાલે છે તેને શનિદેવની ખાસ પૂજા કરી પનોતીમાંથી રાહત મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પનોતી ઉતારવાના ભાગરૂપે હજારો બૂટ-ચંપલ શનિકુંડ નજીક જોવા મળ્યા હતા.
આ શનિ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે, શનિદેવ હાથીની સવારીએ અહીં આવ્યા હતા અને તેમણે આ રીતે અહીં સ્થાનક બનાવ્યું હતું. પુરાતત્વ ખાતું આ મંદિરને પનોતી દેવી મંદિર તરીકે ઓળખાવે છે. અહીં શનિ દેવ પત્ની પનોતી દેવી સાથે પધાર્યા હોવાથી આ મંદિરને પનોતી મંદિર તરીકે ઓળખાય છે.
ન્યાયના દેવ ગણાતા શનિદેવના જન્મોત્સવને લઇને શનિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોરબંદરથી 30 કીમી દૂર આવેલા હાથલા ગામે શનિદેવનું જન્મસ્થાન આવેલું છે. અહીંયા આવેલું આ મંદિર ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શનિ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે શનિ અમાસ નિમિતે આજ સવારથી જ હાથલા ગામે શનિભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.
શનિદેવના જન્મસ્થાન હાથલામાં શનિજયંતિની ઉજવણીને લઇને ભક્તિનો સાગર છલકાયો હતો. સવારે શનિદેવ મંદિરને 52 ગજની ધ્વજા ચડાવવામાં આવી હતી. વહેલી સવારે ઢોલ, નગારા સાથે શનિદેવની તેમજ અહીં બિરાજતી સાત પનોતીદેવીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.