હુમલાની બીકથી પાકિસ્તાનમાં ખળભળાટ, અમેરિકા પણ એક્ટિવ; કોઈપણ દબાણમાં નહીં આવે ભારત!

Pahalgam Terror Attack: પહલગામમાં 26 હિન્દુઓના નરસંહારની ઘટના બાદ ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતની તૈયારીઓ જોઈને પાકિસ્તાન ચોંકી ગયું છે. પાકિસ્તાનના સૂચનામંત્રી અતાઉલ્લાહ તરારે એક વીડિયો સંદેશમાં કહ્યું છે કે, ભારત આગામી 24થી 36 કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. તેમના આ વીડિયોનો હેતુ વૈશ્વિક સમુદાયને ભારતને સમયસર રોકવું જોઈએ, તેવું કહેવાનો હતો. અમેરિકાથી આ સમાચાર આવી રહ્યા છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સક્રિય તઈ ગયા છે. તેઓ સતત ભારત અને પાકિસ્તાનના શીર્ષ નેતૃત્વ સાથે સતત સંપર્કમાં છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર બંને દેશોની સરકારો સાથે સતત સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે વાત કરશે. ટેમી બ્રુસે બુધવારે વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમારા વિદેશમંત્રી માર્કો રુબિયો આજે અથવા કાલે ભારત અને પાકિસ્તાનના વિદેશમંત્રી સાથે વાત કરશે. અમે આ ક્ષેત્રમાં થઈ રહેલી દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છીએ અને ઘણા સ્તરે બંને દેશોની સરકારો સાથે સંપર્કમાં છીએ. તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા બંને દેશોને આ મુદ્દાને જવાબદારીપૂર્વક ઉકેલવા અપીલ કરી રહ્યું છે. બ્રુસે કહ્યું કે, આખી દુનિયા આ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, પરંતુ હાલમાં અમારી પાસે તેના વિશે વધુ કોઈ માહિતી નથી.
અમેરિકાની તણાવ ઓછો કરવા અપીલ
બ્રુસે એમ પણ કહ્યું કે, વિદેશમંત્રી રુબિયોએ ભારત અને પાકિસ્તાનને પરિસ્થિતિને વધુ તણાવપૂર્ણ ન બનાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, રુબિયોએ બંને પક્ષોનો સંપર્ક કર્યો છે અને પરિસ્થિતિને વધુ ખરાબ ન કરવા જણાવ્યું છે. તેઓ ટૂંક સમયમાં બંને દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરશે અને અન્ય દેશોના નેતાઓ અને વિદેશ મંત્રીઓને પણ આ મુદ્દા પર ભારત અને પાકિસ્તાનનો સંપર્ક કરવા કહી રહ્યા છે. બ્રુસે એમ પણ કહ્યું કે, આ મામલે દરરોજ પગલાં લેવામાં આવી રહ્યા છે અને રૂબિયો ભારત અને પાકિસ્તાનના તેમના સમકક્ષો સાથે સીધી વાત કરી રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ગુનેગારો અને કાવતરાખોરોને કડક સજા આપવાની પ્રતિજ્ઞા લીધી છે. તેનાથી પાકિસ્તાન ચિંતિત છે. ભારતે સીધું કહ્યું છે કે, આ હુમલા પાછળ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી માસ્ટરમાઇન્ડનો હાથ છે. હવે પ્રશ્ન એ છે કે, ભારત દ્વારા કાર્યવાહી કરવાની જાહેરાત પછી અમેરિકા આ તણાવ ઘટાડવામાં શું ભૂમિકા ભજવે છે? પરંતુ એ સ્પષ્ટ છે કે, આ વખતે ભારત કોઈ દબાણમાં આવવાનું નથી. પીએમ મોદીએ દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, ભારત કોઈપણ દબાણમાં આવ્યા વિના પહેલગામ હુમલાના ગુનેગારોને સજા આપવા સક્ષમ છે.