નવસારી મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું 847.13 કરોડ રૂપિયાનું પ્રથમ બજેટ રજૂ

Navsari Budget: નવસારી મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું 847.13 કરોડ રૂપિયાનું પ્રથમ બજેટ રજૂ કરાયું છે. કમિશ્નર દેવ ચૌધરીએ મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. ગત વર્ષના બજેટ કરતાં 126 ટકાના વધારા સાથે 847.13 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના બજેટમાં નવા કોઈ ટેક્સનું સમાવેશ કરવામાં આવ્યું નથી. ઉપરાંત મહાનગરપાલિકાના બજેટમાં 34.14 કરોડની પુરાંત દર્શાવાઈ છે.
નવસારી મહાનગરપાલિકાના બજેટમાં શહેરને 9 ભાગોમાં વહેંચી વિકાસ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરના બે રસ્તાને આઇકોનિક એપ્રોચ રોડ તરીકે 12.40 કરોડના ખર્ચે વિકસાવાશે. તેમજ શહેરના વિરાવળથી જકાતનાકાથી પૂર્ણા નદીના પુલ સુધી, ગ્રીડથી તીઘરા જકાતનાકાથી ઇટાળવા સુધીના બે રસ્તા આઇકોનિક એપ્રોચ હેઠળ વિકસાવાશે. શહેરમાં અધુરા રીંગ રોડમાં નવો રીંગ રોડ જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના રીંગ રોડને ભેંસત ખાડાથી ધારાગીરી હાઈવે સુધી લંબાવાનું આયોજન કરાયું છે.
આ સાથે નવસારી શહેરને સ્માર્ટ લાયબ્રેરી, સાયન્સ લેબ, યોગા સેન્ટર, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નવી શાકભાજી માર્કેટ, કડિયા નાકા, વેન્ડર ઝોન, પાંજરાપોળ, મલ્ટી લેવલ પાર્કિગની ભેટ મળશે.