‘મિશન ગુજરાત’: રાહુલ ગાંધી આવતીકાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે

Rahul Gandhi Gujarat Mission: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને મજબૂત બનાવવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 7 અને 8 માર્ચે અમદાવાદની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, અધિકારીઓ અને જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરશે અને રાજ્યભરના કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે.

મળતી માહિતી મુજબ, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8-9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાશે. રાહુલ ગાંધીની મુલાકાત એ સંકેત આપે છે કે કોંગ્રેસ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ને લઈને સંપૂર્ણપણે ગંભીર છે. કોંગ્રેસ છેલ્લા ત્રણ દાયકાથી સત્તાની બહાર છે અને આ વખતે રણનીતિમાં ફેરફારની શક્યતા છે.

રાહુલ ગાંધી 7 માર્ચ, 2025ના રોજ સવારે 9:30 વાગ્યે અમદાવાદના એરપોર્ટ પહોંચશે અને 10 વાગ્યે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય જશે. આ દરમિયાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કરશે. જ્યારે બપોરે 2 વાગ્યે 44 જિલ્લા અને શહેર પ્રમુખ, બપોરે 3 વાગ્યે તાલુકા અને નગરપાલિકા પ્રમુખ સાથે સંવાદ કરશે. રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે. જ્યારે 8 માર્ચ, 2025ના રોજ સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડએ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજરી આપશે.

રાહુલ ગાંધીએ પીએમ મોદીને ખુલ્લી ચેલેન્જ આપી હતી
લોકસભામાં વિપક્ષના નેતા બન્યા પછીના પોતાના પહેલા ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું, “આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું!” આ પછી તરત જ, રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા અને કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે બધાની નજર 2027 માં ભાજપને પડકારવા માટે રાહુલની રણનીતિ પર છે.