સુરતના વરાછા વિસ્તારમાં વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે આધેડની હત્યા

આરોપી (ઇન્સાઇડ મૃતક)

અમિત રૂપાપરા,સુરત: સુરત શહેર હવે ક્રાઈમ સિટી બનવા તરફ આગળ વધતું હોય તે પ્રકારના કિસ્સા એક પછી એક સામે આવી રહ્યા છે. જાણે વ્યક્તિના જીવની કોઈ કિંમત જ ન હોય તે પ્રકારે નજીવી બાબતે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જગદીશનગર નજીક વાહન ઓવરટેક કરવા બાબતે એક આધેડની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે જુવેનાઇલ સહિત બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક જયેશ નિમાવત

સુરત શહેર ડાયમંડ સિટી કહેવાય છે, પણ હવે આ સુરત ડાયમંડ સિટીની સાથે ક્રાઈમ સિટી સુરત બનવા તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરત શહેરમાં નજીવી બાબતોમાં ખૂની ખેલ ખેલાતા હોય તેવી ઘટના અવારનવાર સામે આવી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં વાહનના ઓવરટેક બાબતે થયેલી બોલાચાલીમાં 55 વર્ષીય આધેડની સગીર સહિત બે યુવકોએ હત્યા કરી દીધી.

55 વર્ષીય જયેશ નિમાવત નામના વ્યક્તિ પોતાનું વાહન લઈને જગદીશ નગર જાનકી જ્વેલર્સ પાસેથી પસાર થતા હતા. તે સમયે વાહનના ઓવરટેક બાબતે પાછળ આવી રહેલા અન્ય બે યુવકો સાથે જયેશ નિમાવતને બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં રોષે ભરાયેલા બે યુવકો દ્વારા જયેશ નિમાવત ને પેટના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બંને ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા. તો બીજી તરફ ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક અસરથી 55 વર્ષીય આધેડ જયેશ નિમાવતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન જયેશ નિમાવતની તબિયત વધારે લથડી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાના પગલે વરાછા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જયેશ નિમાવતની હત્યા કરનારા ઇસમોને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ એક જુવેનાઇલ સહિત બે ઈસમોની ધરપકડ કરી છે અને આરોપીની પૂછપરછમાં પણ સામે આવ્યું છે કે બાઈકના ઓવરટેક બાબતે થયેલી માથાકૂટમાં આ ઘટના બની હતી.