જામનગરમાં આવેલો 137 ફૂટ ઊંચો ઐતિહાસિક ભુજિયો કોઠો, જાણો તેનો ઇતિહાસ

જામનગરઃ ખંભાળિયા દરવાજાથી ઉત્તરે ગઢની દીવાલ વચ્ચે તળાવના દક્ષિણ કિનારા પર વિરાટ અને ભવ્ય ભુજિયો કોઠો અતીતની યાદ સંઘરીને ઊભો છે. જામ રણમલજી બીજાના સમયમાં જામનગરમાં દુષ્કાળ પડ્યો હતો. તે દરમિયાન પ્રજાને રોજીરોટી આપવા તથા જળસંચયના હેતુથી જામ રણમલજીએ કેટલાંક બાંધકામ કરાવ્યા હતા. તેમાંથી એક છે ભુજિયો કોઠો. ઇ.સ.૧૮૩૯થી ૧૮૫૨ વચ્ચે ગોળ બાંધણીવાળા કલાત્મક અને આકર્ષક ભૂજીયા કોઠાનું બાંધકામ થયું હતું. આમ ભુજિયો કોઠો બંધાતા 13 વર્ષનો સમય લાગ્યો હતો.

એવું માનવામાં આવે છે કે, જામનગર અને ભુજના રાજા ભાઈઓ હતા. તેમણે લગભગ 300 કિમી દૂર પોતાના રાજ્યો સ્થાપ્યા હતા. તેમણે શહેરોની રચના પણ એ જ રીતે કરી હતી. ભુજિયો કોઠો કદાચ જામનગરથી ભુજ જવાના ગુપ્ત માર્ગનું પ્રવેશદ્વાર હતું. તેથી તેનું નામ ભુજિયો કોઠો હોવાનું માનવામાં આવે છે.

બાંધકામની દ્રષ્ટિએ ભુજિયો કોઠો તેના ઘેરાવા અને ઊંચાઈના કારણે અજોડ છે. 137 ફૂટની ઉંચાઈ ધરાવતું આ સ્ટ્રક્ચર તે સમયે સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઐતિહાસિક ઈમારત હતી. કોઠાના બાંધકામમાં કુલ ચાર લાખ પચીસ હજાર કોરીનો ખર્ચ થયો હતો. આ કોઠાનો ઉપયોગ ‘હેલિયોગ્રાફી’ પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો હતો. ભુજિયો કોઠો પાંચ માળનો છે. 66 પગથિયાં ચડ્યા બાદ પ્રથમ માળે પહોંચી શકાય છે. ભુજીયા કોઠામાં સિંહ દ્વાર ઉપરાંત કાષ્ઠ થાંભલાની હાર અને મકરાકૃતિ કમાનોથી સુશોભિત ડાયમંડ અને લુમાઓના શણગાર સુશોભિત રંગમંડપ, સુંદર પડસાળ, ચોતરફ વર્તુળાકારે ફરતી અટારી આવેલી છે. ભુજીયા કોઠા પરથી નજર કરતા શહેરનું મનોહ૨ દૃશ્ય દેખાય છે.

આ ભવ્ય ઈમારતને 173 જેટલા વર્ષો થયા છે. હાલ અંદાજીત 23 કરોડના ખર્ચે તેનું રિસ્ટોરેશનનું કામ ચાલુ છે. વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ સૂત્રને સાર્થક કરે છે. આ કામગીરીમાં ઉપરના ત્રણ માળનું રી-પ્રોડકશન વર્ક, સી આકાર ભાગનું રી-પ્રોડકશન વર્ક, ભુજીયા કોઠા સ્થાપત્યને ફોર્ટ વોલ પર ખંભાળિયા ગેઈટ તરફ આવતી ફોર્ટ વોલ સાથે જોડવા માટે નાશ પામેલા ભાગનું રી-પ્રોડકશન વર્ક, ઉપરના ત્રણ માળને જોડતા પેસેજનું રી-પ્રોડકશન વર્ક, બીજા માળ પર નાશ પામેલ રાઉન્ડ ગેલેરીનું રી-પ્રોડકશન વર્ક, સ્થાપત્યના તમામ બારી અને દરવાજાનું કન્સોલિડેશન વર્ક, લાકડાની છતનું રી-પ્રોડકશન વર્ક, હયાત સ્ટોન સ્ટેરનું રિસ્ટોરેશન વર્ક, સ્થાપત્યના અંદર અને બહારના તમામ ભાગોનું રિસ્ટોરેશન વર્ક, બીજા માળ અને ઉપરના ભાગને જોડતી સીડીનુંરી-પ્રોડક્શન વર્ક, પ્રથમ માળ પર આવેલા મુર્તિઓનું રી-પ્રોડકશન વર્ક, સ્થાપત્યનું તમામ ઈલેક્ટ્રીફીકેશન, કેબલિંગ, લાઈટીંગ, સી.સી.ટી.વી., સાઉન્ડ સિસ્ટમ, ઈન્ટરકોમ, સ્થાપત્યમાં લોક સુવિધા માટે ટોઇલેટ બ્લોક બનાવવાનું કામ., હયાત ફ્લોરિંગનું ડીસમેન્ટલિંગનું કામ તેમજ ફ્લોરિંગને લાઈમ સ્ટોન ફ્લોરિંગ કરવાનું કામ, છેલ્લા માળ ઉપર હેલીઓગ્રાફી યંત્ર ડિસ્પ્લેમાં મુકવાના કામનો સમાવેશ થાય છે.

ભુજીયા કોઠાના રિસ્ટોરેશનની કામગીરી હાલ ચાલુ છે. પ્રથમ તબ્બ્કાનું કામ જુન-૨૦૨૫ પહેલા પૂર્ણ થઇ જશે. તથા બીજા તબ્બ્કાનું કામ અંદાજે વર્ષ 2025ના અંતમાં પૂર્ણ થશે તેમ જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાનીએ જણાવ્યું છે.

જાણો શા માટે ઉજવવામાં આવે છે ‘વર્લ્ડ હેરિટેજ ડે’?
આપણી ભવ્ય વિરાસતોની જાળવણી અને રક્ષણ કરવું દરેક નાગરિકની ફરજ છે. વિશ્વ ધરોહર દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરની ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને પુરાતત્વીય સ્થળોને બચાવવાનો છે. જેથી કરીને આવનારી પેઢીઓ માટે આ વારસાને સાચવી શકીએ. આ દિવસનો ઉદ્દેશ્ય વિશ્વની વિરાસત અને વિવિધતાને લોકો સુધી પહોંચાડવાનો છે. વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે લોકોને વારસા વિશે જાગૃત કરવામાં આવે છે. જેથી કરીને ઐતિહાસિક સ્થળોને સુરક્ષિત કરી શકાય. વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે.

પ્રથમ વખત ૧૯૬૮માં, એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વભરની પ્રખ્યાત ઇમારતો અને પ્રાકૃતિક સ્થળોની સુરક્ષાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને સ્ટોકહોમમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પસાર કરવામાં આવ્યો. તે પછી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના કરવામાં આવી. તે સમયે, 18 એપ્રિલ 1978ના રોજ આ દિવસને વિશ્વ હેરિટેજ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં 18 એપ્રિલ 1982ના રોજ ટ્યુનિશિયામાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરી હતી. તેના એક વર્ષ પછી નવેમ્બર 1983માં યુનેસ્કોએ મેમોરિયલ ડેને ‘વર્લ્ડ હેરિટેજ ડે’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ગુજરાતના 4 સહીત ભારતમાં 43 વિશ્વ ધરોહર સ્થળો છે, જેમાંથી 35 સાંસ્કૃતિક છે, 7 કુદરતી સ્થળો છે અને 1 મિશ્રિત શ્રેણી છે.

ગુજરાત સરકારે હેરિટેજ પ્રવાસન નીતિ 2024-25 જાહેર કરી છે, જે નાના ગામો અને નગરોમાં હેરિટેજ ઇમારતો અને સુવિધાઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ છે. આ નીતિ રાજ્યના પ્રાચીન અને ઐતિહાસિક વારસાને વધુ સુરક્ષિત અને જાળવણી કરવાની યોજના છે. આ વર્ષે વિશ્વ વારસા દિવસ 2025ના અવસરે ICOMOS (the International Council on Monuments and Sites) દ્વારા આપત્તિઓ અને સંઘર્ષોથી વારસાના સ્થળો સામે વધતા જોખમો પર ચિંતન કરવામાં આવશે. આ વર્ષની થીમ “Heritage under Threat from Disasters and Conflicts: Preparedness and Learning from 60 years of ICOMOS Actions” છે.