24 કલાક સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી, 19મીએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદઃ ગુજરાતભરમાં ઉનાળાનો કહેર ચાલુ થઈ ગયો છે. ત્યારે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરી છે.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યુ છે કે, ત્યારબાદ 24 કલાક પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને તેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે. લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળશે.

19 એપ્રિલના દિવસે પવનની ગતિ તેજ રહેવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ 21 એપ્રિલ બાદ તાપમાન ફરી વધશે અને લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે.