અમદાવાદમાં એકસાથે પાંચ જગ્યાએ આગનો બનાવ, વટવા GIDCમાં કેમિકલ કંપની ભડકે બળી

અમદાવાદઃ શહેરમાં એકસાથે પાંચ જગ્યાએ આગ લાગવાની ઘટના બનતા ફાયરવિભાગ દોડતું થયું હતું. જેમાં વટવા GIDC ફેઝ 4માં આવેલી જયશ્રી કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત તેની આસપાસની ચાર-પાંચ જેટલી કંપનીઓ પણ આગની ચપેટમાં આવી ગઈ હતી.

પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ કોમ્પલેક્ષ બહાર પાર્કિંગમાં પડેલા વાહનોમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ સિવાય બાપુનગરમાં પણ કારમાં આગ લાગવાની ઘટના બની હતી. તો બીજી તરફ ચંડોળા તળાવમાં ડિમોલિશન બાદ તેના કાટમાળમાં આગ લાગી હતી.

સોલા સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં 2 લોકો ફસાયા હતા. ત્યારે લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયરવિભાગની મદદ લેવામાં આવી હતી. તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.