ગુજરાત પોલીસની તમામ રજાઓ રદ, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટો નિર્ણય

અમદાવાદઃ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. તેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તાત્કાલિક અસરથી ગુજરાત પોલીસની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. ગુજરાત પોલીસના તમામ કર્મીઓ અને અધિકારીઓની બધી જ રજા કેન્સલ કરવામાં આવી છે.

ગુજરાતમાં મોકડ્રીલ યોજવામાં આવી
રાજ્યના 18 જિલ્લામાં સાયરન વાગતા જ મોકડ્રીલની શરૂઆત થઈ હતી. રાજ્યભરની કલેક્ટર કચેરીઓમાં સાયરન વગાડવામાં આવ્યું હતું. અમદાવાદના સિંધુ ભવન રોડ પર મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ અને ફાયર વિભાગે માર્ગદર્શન આપ્યું છે. યુદ્ધના સમયમાં શું કરવું અને શું ન કરવું તે અંગે લોકોને માર્ગદર્શન આપ્યું છે.

શું હતો સમગ્ર મામલો?
પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓ પર હવાઈ હુમલો કર્યો છે. ભારતીય સેનાએ નવ આતંકવાદી ઠેકાણાઓ ઉડાવીને ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું છે. બરાબર 15 દિવસ પછી ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. આ કાર્યવાહી ચોકસાઈ સાથે હાથ ધરવામાં આવી હતી, જેમાં હુમલા માટે જવાબદાર જૂથો સાથે જોડાયેલા આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું.

ભારતે હવાઈ હુમલા કરીને પાકિસ્તાન અને પીઓકેમાંથી કાર્યરત ઘણા આતંકવાદી કેમ્પોનો નાશ કર્યો છે. ભારતની આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 70થી વધુ આતંકવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે. ભારતના હવાઈ હુમલામાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓનો પણ નાશ કરવામાં આવ્યો છે. આ આતંકવાદી સંગઠનોના ઘણા આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.