રાજ્ય સરકારની મોટી જાહેરાત, ટેકાના ભાવે ખરીદશે મગ; જાણો ક્યાં કરશો રજિસ્ટ્રેશન

ગાંધીનગરઃ ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે ઉનાળુ મગ પાક માટે 8682 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રવર્તમાન સમયમાં વિવિધ APMC ખાતે ઉનાળુ મગનો બજાર ભાવ 6772 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જેટલો ચાલી રહ્યો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મગના ઓછા ભાવથી રાજ્યના કોઈપણ ખેડૂતને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલ તારીખ 15 મે, 2025થી આગામી તારીખ 25 મે 2025 સુધીમાં રાજ્યના ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. આ નોધણી માટે ખેડૂતોએ કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.
રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂં આયોજન હાથ ધરવામાં આવ્યું છે.