ઉનાના નાલીયા માંડવી ગામે ભાઈએ કરી સગા ભાઈની હત્યા, જાણો ચોંકાવનારો ખુલાસો

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ ઉના તાલુકાના નાલીયા માંડવી ગામે ગઈકાલે હનીફ જમાલ શેખ નામના યુવકનું મોત થતાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી. જો કે, યુવાન હનીફ શેખની હત્યા થઈ હોવાની જાણકારી પોલીસને મળતા નવાબંદર પોલીસ એલસીબી સહિતનો મોટો પોલીસ કાફલો કબ્રસ્તાન પહોંચ્યો હતો. એટલું જ નહીં, ઉના એસડીએમ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. કબ્રસ્તાનમાં દફન મૃતક હનીફની લાશને ખોદકામ કરી બહાર કાઢવામાં આવી હતી અને ઉના સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી.
યુવાનની હત્યાને લઈને આ સમગ્ર મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. મૃતક યુવક હનીફ કારણ વગર ઘરમાં કજિયો કરતો હતો. ગત 20 એપ્રિલની સાંજે પણ ઝઘડો કરતો હતો. આ મામલો શાંત પડ્યો હતો, પરંતુ સવારે તે ફરી કુહાડી લઈને ઘરે આવ્યો હતો. જ્યાં તેની તેના ભાઈ જાવેદ સાથે ઝપાઝપી થઈ હતી. જેમાં હનીફને કુડાહો વાગી જતા તેને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.
આરોપી જાવેદે બાદમાં તેણે જ ભાઈની હત્યા કરી હોવાનું નાના ભાઈને કહ્યું હતું અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જાવેદે બાદમાં કહ્યું હતું કે, હનીફ કુહાડી લઈને સવારે 8 કલાકે ઝઘડો કરવા આવ્યો હતો. ત્યારે જાવેદે તેના હાથમાંથી કુહાડી ઝૂંટવી લઈને તેના માથાના પાછળના ભાગે મારી દેતાં ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું.
પોલીસને હત્યાની જાણ થતાં બોડીને કબરમાંથી બહાર કાઢી પીએમમાં ખસેડી હતી. જ્યારે આરોપી મૃતકના ભાઈ જાવેદની ધરપકડ કરી છે. ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. ગીર એસપી મનોહસિંહ જાડેજાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.