કોડીનારના વડનગર ગામ નજીક ટેકરા પર આવેલું છે કુતરાનું મંદિર, જાણો તેની પાછળનું ઈતિહાસ

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: જિલ્લામાં એક સ્થળ એવું છે કે જ્યાં લોકોની અનેરી આસ્થા જોડાયેલી છે. અનેક લોકો અહીં માનતા લઈને આવે છે અને તેઓની માનતા અહીં પૂર્ણ પણ થાય છે. આ સ્થળે કુતરાનું મંદિર આવેલું છે. તમે ચોકી ઊઠ્યાંને..! જી આ કોઈ ગેરસમજ નથી થતી, કુતરાનું જ મંદિર છે. સેંકડો શ્રદ્ધાળુઓ અહીં કૂતરા ડેરીના દર્શન કરી ધન્ય બને છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરથી 8થી 10 કિલોમીટર દૂર વડનગર ગામની સીમ વિસ્તારમાં આવેલું આ આશ્રમ, જ્યાં પહોંચતા જ શ્વાનના દર્શન થાય છે. આ આશ્રમ નજીક પહોંચો એટલે તમને ખ્યાલ આવી જશે કે “કૂતરા ડેરી”એ પહોંચી ગયા. રોચક રહસ્યો અને ઇતિહાસ ધરાવતું આ સ્થળ પર આમ તો ચારણ કન્યા “જાગબાઈ માતા”નું મંદિર આવેલું છે. પરંતુ આ ચારણ કન્યા “જાગબાઈ માતા”ની પૂજા પહેલા લોકો અહીં શ્વાનની મૂર્તિની પૂજા કરે છે. તેમજ પૂજા જ નહિ “જાગબાઈ માતા” પહેલા પ્રસાદ પણ ધરાય છે.
કોડીનારના વડનગર ગામ નજીક એક ટેકરા પર કુતરાનું મંદિર આવેલું છે. કૂતરાની દેરી આવેલી છે. સામે જાગબાઈ માતાજીનું મંદિર આવેલું છે. અહીં કૂતરાની વફાદારીના કારણે તેની ડેરી સેંકડો વર્ષો પહેલા બંધાઈ છે. આ સ્થળ ઐતિહાસિક છે, કૂતરા દેરીનો રોચક ઇતિહાસ છે. અહીં અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે તેમજ માનતાઓ પણ રાખે છે.
અહીં જાગબાઈમાનું મંદિર પણ છે. કોઈને કુતરૂ કરડયું હોય તો માતાજીની માનતા રાખે, માતાજીને ખીર, પુરીના નૈવેધ ધરે, ચૂંદડી ચડાવે તો હડકવા ઉપડતો નથી. ખેડૂતોના ઢોર ઢાખર બીમાર હોય અને માતાજીની માનતા રાખે તો સાજા થઈ જાય છે. આખા દિવસ દરમિયાન અહીં 50થી વધુ કૂતરા આવે છે. ક્યારેય કોઈને કરડ્યા નથી. નાના બાળકોની તંદુરસ્તી માટે અહીં માનતા રાખવામાં આવે છે. લોકોમાં અહીં અનોખી આસ્થા જોવા મળે છે. માતાજીને નૈવેધ ધરતા પહેલા અહીં કૂતરાની પૂજા થાય છે.
ગીર સોમનાથનું વડનગર ગામ સેંકડો વર્ષો પહેલા વિસનગર તરીકે ઓળખાતું હતું. આ વિસનગર ગામથી દેવલપુર ગામ જતા રસ્તાની બાજુમાં વિશાળ ડુંગર હતો. આ ડુંગર પર ચારણનો નેસ આવેલો, નેસમાં જાગબાઈ આઈ રહેતા સાથે તેમનો એક કૂતરો પણ રહેતો. જાગબાઈ સાક્ષાત દેવી સ્વરૂપ હતા. જાગબાઈ આઈ તેના કૂતરાને લઈ વિસનગર હટાણું (ઘરગથ્થુ માલસામાનની ખરીદી) કરવા ગયા. જરૂરી સામાન ખરીદ્યો પણ થોડી મૂડી ખૂટી. સામાન પાછો પણ ન અપાય અને પૂરતી રકમ ચૂકવ્યા સિવાય જવાઈ પણ નહીં. માતાજીને ધર્મસંકટ ઉભું થયું. માતાજીએ શેઠને કહ્યું ‘શેઠ હું આ મારો વફાદાર કૂતરો આપને ત્યાં ગીરવે મૂકીને જાઉં છું. એકાદ બે દિવસમાં આપની મૂડી ચૂકવી લઈ જઈશ.’ શેઠ કહે ‘ભલે માડી.’
જાગબાઈ આઈએ કૂતરાને સૂચના આપી ‘બે દાડા અહીંયા રહેજે, શેઠને કામ આવજે, હું તને લઈ જાઈશ.’ આમ કહી જાગબાઈ આઈ નેસડે જતા રહ્યા. બન્યું એવું કે એ જ રાત્રે શેઠની હવેલીએ ચોરી થઈ બધુ જ ધન, દોલત અને ઘરેણાં ચોર ઉઠાવી ગયા. સવારે ઉઠીને જોયું ત્યારે શેઠને જાણ થઈ, જીવતર લૂંટાઈ ગયાનો અહેસાસ થયો. બીજી તરફ જાગબાઈ માનો કૂતરો શેઠનું ધોતિયું પકડી ખેંચવા લાગ્યો અને જે જગ્યાએ ચોરોએ શેઠનું ચોરેલું ધન દાટ્યું હતું ત્યાં લઈ ગયો. જમીન ખોદી ત્યાંથી બધુ જ ધન મળી આવ્યું. શેઠ ખુશ થયા કુતરાના ગળે ચિઠ્ઠી લખી કૂતરાને નેસડે પરત કર્યો. બીજી તરફ જાગબાઈ આઈ શેઠને ચૂકવવાની રકમ લઈ આપવા ડુંગર પરથી નીચે ઉતરતા હતા ત્યાં સામેથી પોતાના કૂતરાને આવતો જોયો. માતાજીને ગુસ્સો આવ્યો કહે, ‘ફટ ભૂંડા કૂતરાની જાત મારા વચનની લાજ નો રાખીને હાઇલો આવ્યો. ફાટી પડ.’ અને કૂતરો ત્યાંને ત્યાં જ રામશરણ થયો.
માતાજી કૂતરા પાસે આવ્યા ગળામાં બાંધેલી ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠીમાં શેઠે લખ્યું હતું ‘મા તમારૂ કર્જ તમારા કૂતરાએ મને વળતર સાથે ચૂકવી આપ્યું છે. મારૂ તમામ ધન ચોરો ચોરી ગયા હતા. તે મને પાછું મેળવી આપ્યું છે. હું તેને મુક્ત કરૂ છું.’ આ વાંચી જાગબાઈ માને અફસોસ થયો અને ધરતી માતાને પ્રાર્થના કરી જીવતા જમીનમાં સમાઈ ગયા. આથી જ ત્યારથી અહીં માતાજી પહેલા કૂતરાની પૂજા થાય છે. સમગ્ર ભારતમાં કૂતરાની દેરી હોય તેવું આ પ્રથમ સ્થાન છે.