દિલ્હીને ઘરઆંગણે સીઝનની પહેલી હાર મળી, મુંબઈની 12 રનથી જીત

IPL 2025 DC vs MI: મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPL 2025ની 29મી મેચ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીની ટીમને 12 રને હારનો સામનો કરવો પડ્યો હતો. તિલક વર્માના 33 બોલમાં 59 રન અને નમન ધીરના 17 બોલમાં 38 રનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે 205/5નો સ્કોર બનાવ્યો. વિપરાજ નિગમ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી. મુંબઈના સ્કોરના જવાબમાં દિલ્હીની આખી ટીમ ફક્ત 193 રન જ બનાવી શકી.

રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 12 રનથી વિજય મેળવ્યો હતો. 19મી ઓવરમાં મુંબઈએ સતત 3 બોલ પર દિલ્હીના 3 બેટ્સમેનોને રન આઉટ કર્યા અને મેચ જીતી લીધી. આ ઓવરમાં આશુતોષ શર્મા, કુલદીપ યાદવ અને મોહિત શર્મા આઉટ થયા હતા.

રવિવારે દિલ્હીએ અરુણ જેટલી સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. મુંબઈએ 5 વિકેટ ગુમાવ્યા બાદ 205 રન બનાવ્યા. તિલક વર્માએ ફિફ્ટી ફટકારી. જવાબમાં દિલ્હી કેપિટલ્સ 19 ઓવરમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કરુણ નાયરે 40 બોલમાં 89 રન બનાવ્યા. કર્ણ શર્માએ 3 વિકેટ લીધી.

દિલ્હી કેપિટલ્સને 12 બોલમાં 23 રનની જરૂર હતી. અહીં જસપ્રીત બુમરાહ બોલિંગ કરવા આવ્યો. બુમરાહ સામે આશુતોષ શર્માએ પહેલા 3 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા. ચોથા બોલ પર, આશુતોષ બીજો રન લેવાનો પ્રયાસ કરતી વખતે રન આઉટ થયો.

કુલદીપ યાદવે 5મા બોલ પર 2 રન લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ રન આઉટ થઈ ગયો. મોહિત શર્માએ છેલ્લા બોલ પર સિંગલ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ મિશેલ સેન્ટનરના સીધા હિટથી તે રન આઉટ થયો.

દિલ્હીએ 19મી ઓવરમાં 10 રન બનાવ્યા, પરંતુ ટીમ 12 રનના નજીકના માર્જિનથી હારી ગઈ. મુંબઈ તરફથી કર્ણ શર્માએ 3 અને મિશેલ સેન્ટનરે 2 વિકેટ લીધી.