મોરબીના રવાપર ગામે CM ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહૂર્ત કર્યું

મોરબી: મોરબીના રવાપર ગામે રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે આજે (26 માર્ચે) રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મોરબી જિલ્લાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 900 કરોડથી વધુના વિકાસકાર્યોનું ભેટ મળી હતી. જેમાં 187 કરોડના વિકાસ કામોની મોરબી જિલ્લાને ભેટ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી. તે ઉપરાંત 120 કરોડના નવા કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ્સથી મોરબી જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે.
મોરબીમાં ચાલતા કરોડો રૂપિયાના વિકાસ કામોની ક્વોલિટી ઉપર ભાર મૂકવામાં આવે અને ન માત્ર નેતાઓ આવે ત્યારે, પરંતુ કાયમી ધોરણે મોરબીમાં સફાઈ રહે અને સ્વચ્છતા જળવાય તે માટે લોકોનો સહકાર મળે તેવી ટકોર મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો કાંતિ અમૃતિયા, જીતુ સોમાણી, દુર્લભજી દેથરિયા અને પ્રકાશ વરમોરા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ આકરા તાપમાં પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી
મોરબી જિલ્લામાં સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં કરોડો રૂપિયાના વિકાસ કામો મંજૂર – CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં કરોડો રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને શહેરના બ્યુટીફીકેશન માટે 300 કરોડ રૂપિયા કોર્પોરેશનને, 192 કરોડ રૂપિયાના ખર્ચે નવલખી બંદરે નવી જેટી, 1461 કરોડ રૂપિયાના ખર્ચે જીઆઇડીસી તથા સીરામીક પાર્ક, 498 કરોડ રૂપિયાના ખર્ચે મોરબીમાં મેડિકલ કોલેજ, 350 કરોડ રૂપિયાના ખર્ચે મોરબીથી હળવદ રોડ અને મોરબીથી અણિયારી ચોકડી સુધીનો રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
તે ઉપરાંત સરકારમાંથી મોરબીના આગેવાનો અને લોકો માંગે તે મંજૂર કરવામાં આવે છે. ત્યારે આગમી સમયમાં મોરબી માટે શું માંગવુ તે પ્રશ્ન છે. તેવા સમયે મોરબીના જે કામ થાય તે તમામ કામો ક્વોલિટીવાળા થાય તેના ઉપર મોરબીના લોકોએ ભાર મૂકવો પડશે.