Chile-Argentinaમાં ભૂકંપના આંચકા: રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.4 નોંધાઇ, સુનામી એલર્ટ જારી

Chile-Argentina Earthquake: આર્જેન્ટિનાની ધરતી જોરદાર ભૂકંપથી હચમચી ગઈ છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી છે. ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં રાખીને સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના ઘરો છોડીને ખુલ્લા આકાશ તરફ દોડવા લાગ્યા.

યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે મુજબ, દક્ષિણ આર્જેન્ટિનામાં ઉશુઆયાથી 219 કિલોમીટર દક્ષિણમાં ડ્રેક પેસેજમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપ બાદ તરત જ સુનામી એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, ત્યારબાદ અધિકારીઓએ લોકોને દરિયાકાંઠેથી દૂર ખસી જવા અને સુરક્ષિત સ્થળો પર જવાની અપીલ કરી હતી. યુએસ સુનામી ચેતવણી પ્રણાલીએ ભૂકંપના કેન્દ્રના 300 કિલોમીટરની અંદરના દરિયાકાંઠાના વિસ્તારો માટે ખતરનાક મોજાની ચેતવણી જારી કરી છે. આર્જેન્ટિનાની સાથે ચિલીનો ભાગ પણ તેના દાયરામાં આવે છે.

બીજી તરફ ચિલીની નેશનલ ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ રિસ્પોન્સ સર્વિસે જણાવ્યું હતું કે, સુનામીના ખતરાને કારણે દેશના દક્ષિણ છેડે આવેલા મેગાલેન્સ ક્ષેત્રના દરિયાકાંઠાના વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા હતા, જેમાં સુનામીની ચેતવણીના સાયરન વાગતા અને સ્થાનિક લોકો સુરક્ષિત સ્થળોએ જતા જોવા મળ્યા હતા.