અમદાવાદ-નડિયાદ એક્સપ્રેસ-વે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતા આગ લાગી, લોકોને શ્વાસ લેવામાં તકલીફ

ખેડા: અમદાવાદ-નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. કેમિકલ ભરેલું ટેન્કર રોડ સાઈડમાં પલટી ખાતા કેમિકલ લીકેજ અને ટેન્કરમાં આગ લાગી હતી. ટેન્કરમાં રહેલું કેમિકલ ઓલીયમ એસિડ હોવાનું સામે આવ્યું છે. આગને પગલે સફેદ ધુમાડાના ગોટા હવામાં જોવા મળ્યા હતા. ઘટનાને પગલે નડિયાદ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગ ઓલાવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.
એક્સપ્રેસ હાઈવે પાસે આવેલા ગામમાં કેમિકલનો ધુમાડો પહોંચતા લોકોના આરોગ્યને અસર થઈ છે. એક ગર્ભવતી મહિલા સહિત કુલ 4 મહિલાઓની તબિયત લથડી છે. મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તેમજ ઉધરસ અને ઉલટી જેવી સમસ્યાઓ ઉભી થઈ છે. તેમને સલુણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. સલુણ આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર બાદ તમામને નડિયાદ સિવિલ હોસ્પિટલ વધુ સારવાર માટે ખસેડાયા છે.
આ ઘટનાને લઈને જિલ્લા આરોગ્ય અધિકારીએ સલુણ આરોગ્ય કેન્દ્ર ખાતે ધામા નાખ્યા છે. સમગ્ર રાત્રિ દરમિયાન આરોગ્ય અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાજર રહેશે. કોઈપણ વ્યક્તિને તકલીફ હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા માટે સૂચના અપાઈ છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલટી માર્યું હતું. ટેન્કરમાં રહેલું કેમિકલ ઓલીયમ એસિડ હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ આસપાસના ગામમાં કેમિકલનો ધુમાડો પહોંચતા વીજીબીલીધી ઘટી ગઈ હતી. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સ્થળ પર પહોંચ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા મામલતદાર અને તલાટીઓને ગામોમાં પહોંચવાની સૂચના આપવામાં આવી છે. જ્યાં સુધી કેમિકલ ડાયલ્યૂટ ન થાય ત્યાં સુધી લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.
એક્સપ્રેસ હાઈવે કેમિકલ ભરેલ ટેન્કર પલટી માર્યાની ઘટના મામલે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઘટનાને પગલે ત્રણ ગામના લોકોને એલર્ટ કરાયા છે. મરીડા, સલુણ અને ચકલાસી ગામમાં લોકોને સ્થિતિ સલામત થાય ત્યાં સુધી સલામત સ્થળ પર રહેવા સૂચન આપવામાં આવ્યું છે. તેમજ નડિયાદથી એક્સપ્રેસવે બંધ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ પણ જિલ્લા કલેક્ટર સાથે વાત કરી અને સ્થિતિ ત્યાગ મેળવ્યો છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટેન્કર પલટી જતા કેમિકલ લીકેજ થયું હતું અને આસપાસના ગામમાં ધુમાડાને કારણે કેટલાક લોકોને તકલીફ પડી રહી છે. લોકોને ખાસી અને શ્વાસ, લેવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. પરિસ્થિતિને લઇ મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ ગામોની મુલાકાત લીધી છે. ગામમાં આરોગ્યની વ્યવસ્થા અંગે આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સાથે ચર્ચા કરી હતી. કોઈપણ વ્યક્તિને તકલીફ હોય તો ધારાસભ્યને ફોન કરવા માટે સૂચન કર્યું છે. ગ્રામ પંચાયતના સરપંચોને પરિસ્થિતિ ઠાળે પડે ત્યાં સુધી એલર્ટ રહેવા સૂચન કર્યું છે.