બોડકદેવમાં રહેતા છોકરા સાથે ઝઘડો કરી દુલ્હન 15 તોલા દાગીના લઈને ફરાર, પોલીસ ફરિયાદ નોંધાઈ

અમદાવાદઃ શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા યુવક સાથે દુલ્હને છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. હાલ આ મામલે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, બોડકદેવમાં રહેતા કિર્તન દલવાડી નામના યુવકની આઠ મહિના પહેલાં આણંદમાં રહેતી ગીતા પ્રજાપતિ (નામ બદલ્યું છે) સાથે સગાઈ થઈ હતી. ત્યારબાદ 13 ફેબ્રુઆરી, 2025ના દિવસે તેમના લગ્ન થયા હતા.

કિર્તન કહે છે કે, મને બે મહિના બાદ જાણ થઈ કે તેની પહેલાં હર્ષ દલવાડી નામના યુવક સાથે સગાઈ થઈ હતી અને તેણે એ છોકરાને દબાણ કરીને સગાઈ તોડી નાંખી હતી અને 22 લાખ રૂપિયા તેની પાસેથી પડાવ્યા હતા. હવે તેણે મારા ઘરે પણ બીભત્સ વર્તન ચાલુ કર્યું છે. મારા મમ્મી-પપ્પા સાથે મિલકતની માગણી કરી છે. અમારી સાથે વારંવાર ઝઘડો કરે છે, પરંતુ અમે આ ઝઘડો આગળ વધારવા માગતા ન હોવાથી તેને પિયર મૂકી આવ્યો છું.

તેઓ કહે છે કે, તેને પિયર મૂકીને આવ્યા બાદ મને જાણ થઈ કે મારા ઘરેથી દાગીના ગાયબ હતા અને તે ગીતા અંદાજે 15 તોલા જેટલા સોનાના દાગીના લઈને જતી રહી છે. આ ઉપરાંત હવે તે વધુ પૈસાની માગણી કરી રહી છે. આ મામલે મેં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.