ટેકાના ભાવે તુવેર બાદ હવે ચણામાં પણ રજીસ્ટ્રેશન રદ્દ, સરકાર ખેડૂતોની મુશ્કેલી સમજી ખરીદી કરવા માગ

સાગર ઠાકર, જૂનાગઢ: સરકારી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે અને ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોના નામ રદ્દ થતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, સરકાર ખેડૂતોની મુશ્કેલી સમજે અને ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા સરકારી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષે ચણાનું સારું ઉત્પાદન થતા ખેડૂતોને પણ સારા ભાવ મળશે તેવી આશાએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, પરંતુ જિલ્લામાં ઘણા ખેડૂતોના ચણાની ખરીદી માટેના રજીસ્ટ્રેશન કરાવેલા નામો રદ્દ કરવામાં આવ્યા છે તેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તલાટી મંત્રી દ્વારા આપેલા પત્રકમાં પણ ચણાનું વાવેતર કરેલું છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવા છતાં પણ સેટેલાઈટ સર્વેમાં ચણાનો પાક નહીં દેખાતા હોવાને કારણે ખેડૂતોના નામો રદ કરી નાખવામાં આવ્યા છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
સરકારી ટેકાના ભાવે ખરીદીમાં મગફળી, તુવેર હોય કે પછી ચણાની ખરીદી કરવાની હોય ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ઘણા ખેડૂતોના નામો ખરીદીમાંથી રદ્દ કરી નાખવામાં આવે છે. ઉપરાંત કારણ એવું આગળ ધરી દેવામાં આવે છે કે સેટેલાઈટ સર્વેમાં ખેડૂતના ખેતરમાં ચણા જોવા મળતા નથી જેથી તમારું રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યું છે, પરંતુ ચણાની મોસમ જ ત્રણથી સાડા ત્રણ મહિના સુધીની હોય છે અને ફેબ્રુઆરીમાં જ્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેનો જવાબ માર્ચ મહિનામાં એટલે કે 40 દિવસ બાદ તેના જવાબો આપવામાં આવે છે. ત્યાં સુધીમાં તો ખેડૂતોએ પાક ખેતરમાંથી ઉપાડી અને ગોડાઉનમાં ભરી દીધો હોય છે. એટલે સેટેલાઈટ સર્વેમાં ખેડૂતનો પાક જોઈ શકાતો નથી.
બીજી તરફ સરકારી ટેકાના ભાવે ચણાની ખરીદી માટે જે ખેડૂતોના નામો રદ્દ કરવામાં આવ્યા છે તેને પોતાના પુરાવો લઈને તલાટી મંત્રી પાસે અરજી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ અરજીઓને ઉચ્ચકક્ષાએ મોકલવામાં આવશે ત્યાર બાદ તેનો નિર્ણય આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું તલાટી મંત્રી જણાવી રહ્યા છે. આમ ખેડૂતો પાસે પોતે ચણાનું વાવેતર કર્યાના પુરાવા હોવા છતાં રજીસ્ટ્રેશન રદ્દ થતાં હવે ના છુટકે ખુલ્લી હરરાજીમાં ચણા વેંચવા જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આવા સંજોગોમાં સરકાર દ્વારા જે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ્દ થયા છે. તેમના ચણાની ખરીદી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.