ભુજના જ્યુબિલી સર્કલ પાસે યુવક પર હુમલો કરનાર આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા

કચ્છ: ભુજ શહેરના જ્યુબિલી સર્કલ પાસે રૂપિયાની લેતીદેતી બાબતના મન દુઃખે ચાર આરોપીઓએ યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ચારેય આરોપીઓ નાસી જતા પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરતા બે આરોપીઓને એલસીબીએ રાજસ્થાનથી ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે આરોપી હજી સુધી પોલીસને હાથ લાગ્યા નથી.
ગુરુવારે રાત્રે જ્યુબિલી સર્કલ પાસે બજાજ ફાઈનાન્સના રૂપિયાની ઉઘરાણી બાબતે બોલાચાલી બાદ મામલો બીચકાયો હતો અને હથિયારો સાથે આવેલા ચાર આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. જે ગુનામાં માધાપરના આરોપી જુવાનસિંહ બનેસંગ સોઢા અને ભુજના આરોપી સત્યરાજસિંહ ઉમેદસંગ વાઘેલાને ઝડપી લેવામાં આવ્યા છે. મોડી રાત્રે થયેલી બબાલમાં એક યુવાનને છરીના ત્રણ ઘા ઝીંકી દેવાતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે બાદ આરોપીઓ થાર ગાડી લઇ ભાગી ગયા હતા. જે મામલે એ-ડીવીઝન પોલીસ મથકે આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.
દરમિયાન એલસીબીના પીઆઈ સંદીપસિંહ ચુડાસમાની ટીમે આરોપીઓને ઝડપી લેવા પ્રયત્નશીલ હતી. ત્યારે બન્ને આરોપીઓને રાજસ્થાનના ભીનમાલ તાલુકાના ઝુંઝાણી ગામમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.