જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં 4 શંકાસ્પદ જોવા મળ્યા, સર્ચ ઓપરેશન ચાલુ

Suspects seen in Rajouri: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ આતંકીઓને પકડવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. દરમિયાન, રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં ચાર શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા બાદ સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા એજન્સીઓ અને સેનાના જવાનો શંકાસ્પદોની ધરપકડ કરવા અને વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિસ્તારમાં સર્ચ ચલાવી રહ્યા છે.

22 એપ્રિલના રોજ દક્ષિણ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ પહેલા શનિવારે, જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એક મોટા ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ આતંકવાદીઓના છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો અને મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો.

કુપવાડામાં આતંકવાદીઓના ઠેકાણાનો પર્દાફાશ થયો
સુરક્ષા દળોને મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના મુશ્તાકાબાદ માછિલ વિસ્તારના સેદોરી નાલ્લાના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળોને આતંકવાદીઓનું એક ઠેકાણું મળ્યું અને તેને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છુપાયેલા સ્થળમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. જપ્ત કરાયેલા હથિયારો અને દારૂગોળામાં 5 AK-47 રાઇફલ, 8 AK-47 મેગેઝિન, 1 પિસ્તોલ અને તેનું મેગેઝિન, 660 રાઉન્ડ AK-47 ગોળીઓ, 1 પિસ્તોલ એક રાઉન્ડ ગોળીઓ અને 50 રાઉન્ડ M4 ગોળીઓનો સમાવેશ થાય છે.