ઓપરેશન સિંદૂર હેઠળ 100 આંતકવાદી અને પાકિસ્તાનના 40 જવાન માર્યા ગયા: DGMO

Opration Sindoor: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા પછી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અને હવાઈ હુમલા અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેના વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. ભારતીય સેનાએ કહ્યું કે પહલગામમાં 26 પ્રવાસીઓની હત્યા બાદ ભારતે પાકિસ્તાન અને Pokમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ પછી પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલ હુમલા કરવામાં આવ્યા. ભારતે તેમને નિષ્ફળ બનાવ્યા. આ પછી ભારત દ્વારા બદલો લેવામાં આવતા પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા.

ભારતીય સેનાએ વીડિયો પુરાવા જાહેર કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓને જ નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં 100થી વધુ આંતકવાદીઓ માર્યા ગયા હતા. તેમજ ઓપરેશન સિંદર હેઠળ 3 મોટા આતંકવાદીઓ મુદસ્સર ખાર, હાફિઝ જમીલ અને યુસુફ અઝહરને ઠાર કર્યા હતા. આ કામગીરી એટલી ચોકસાઈથી કરવામાં આવી હતી કે આસપાસની ઇમારતોને કોઈ નુકસાન થયું ન હતું.

9-10 મેના રોજ ઘર્ષણ થયું હતું 
ભારતીય સેનાએ કહ્યું કે, 7 મેના રોજ સવારે આતંકવાદી ઠેકાણાનો નાશ થયા પછી પાકિસ્તાન દ્વારા રાત્રે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. 8 મેના રોજ હુમલા થયા હતા અને આ ક્રમ 9 મેના રોજ પણ ચાલુ રહ્યો. દરેક વખતે ભારતે યોગ્ય જવાબ આપ્યો. જોકે, 9-10 મેની રાત્રે પાકિસ્તાનને સૌથી વધુ નુકસાન થયું. આ સમયગાળા દરમિયાન ભારતે પાકિસ્તાની સેનાના અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યા, જેમાં 35-40 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા.

પાકિસ્તાને સામાન્ય લોકોને પોતાની ઢાલ બનાવી
ભારતીય સેનાએ કહ્યું કે, તેની ક્ષમતા એટલી હતી કે તે પાકિસ્તાનની આખી રડાર સિસ્ટમનો નાશ કરી શકતી હતી, પરંતુ ભારતનો ઉદ્દેશ્ય યુદ્ધ કરવાનો નહોતો પરંતુ પાકિસ્તાનને આ સંદેશ આપવાનો હતો. આ કારણોસર બદલામાં બધા એરબેઝ પર મર્યાદિત હુમલાઓ કરવામાં આવ્યા. કોઈપણ એરબેઝને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. ભારતે એમ પણ કહ્યું હતું કે, એક તરફ પાકિસ્તાની સેના લાહોરથી ડ્રોન લોન્ચ કરી રહી હતી અને બીજી તરફ તેમના પેસેન્જર વિમાનો પણ ઉડાન ભરી રહ્યા હતા. આમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો પણ સમાવેશ થતો હતો. નાગરિકોના જીવ બચાવવા માટે ભારતીય સેનાએ તેની જવાબી કાર્યવાહીમાં સમાધાન કર્યું. આ કારણે ભારતે તેની ક્ષમતા કરતાં ઓછું હુમલો કર્યો, પરંતુ સામાન્ય લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી.