December 8, 2024

ભાવનગરમાં દિવાળીની રાત બની ગોઝારી, એક બાદ એક ત્રણ હત્યા

ભાવનગર: ગઇકાલે ગુરુવારના રોજ જ્યાં સમગ્ર ગુજરાત સહિત આખો દેશ દિવાળીની હર્ષોલ્લાસથી ઉજવણી કરી રહ્યો હતો ત્યારે ભાવનગરમાં એક સાથે ત્રણ હત્યાની ઘટનાઓ સામે આવી. એક જ રાતમાં જુદી જુદી ઘટનાઓમાં થયેલ ત્રણ-ત્રણ હત્યાઓ થતાં ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ભાવનગર શહેર અને જિલ્લામાં દિવાળીની રાત્રે 3 હત્યાના બનાવો બન્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ફટાકડા ફોડવા બાબતે હત્યાના ત્રણ બનાવો બન્યા હતા. આ ત્રણેય હત્યાની ઘટનાઓ જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સામે આવી હતી. જેમાં એક હત્યા ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથક વિસ્તારમાં બની હતી. અહી ઘોઘા રોડ વિસ્તારમાં આવેલ યોગીનગર વિસ્તારમાં ફટાકડા ફોડવાની ના પાડતા આધેડની હત્યા કરી દેવામાં આવી હતી.

તો બીજી હત્યાની ઘટના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જેમાં ઘોઘા પોલીસ મથક વિસ્તારમાં સામે આવેલ હત્યાની ઘટના હાથબ ગામી બની હતી. જેમાં 45 વર્ષીય આધેડની ફટાકડા ફોડવાની ના પાડતા હત્યા કરાઇ હતી. તો, ત્રીજી હત્યા ગંગાજળીયા પોલીસ મથક વિસ્તારમાં સામે આવી હતી. ગંગાજળીયા પોલિસ મથક વિસ્તારમાં સામે આવેલ હત્યાની ઘટનામાં ગજ્જરના ચોકમાં 24 વર્ષીય યુવાનની હત્યા કરાઇ હતી

એક જ રાતમાં હત્યાના 3 બનાવોને લઈ ભાવનગર શહેરના સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે તમામ મૃતકોના મૃતદેહોને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રણ હત્યાના બનાવો બનતા હાહાકાર મચી જવા પામ્યો છે.