સુરત શહેર પોલીસે 168 ગ્રામ અફીણ સાથે એક ઈસમની કરી ધરપકડ

સુરત: સુરત શહેર પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં નશીલા પદાર્થોનો કારોબાર કરતા અનેક ઈસમોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે એલસીબી ઝોન 1ની ટીમ દ્વારા સારોલી પોલીસ સ્ટેશનને તેમને સાથે રાખી અફીણનું ગેરકાયદેસર વેચાણ કરતા ધરપકડ કરી છે. તેની પાસેથી 168 ગ્રામ અફીણનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેની કિંમત 50,400 રૂપિયા થાય છે.
સુરતના યુવાનોને નશાની પ્રવૃત્તિથી દૂર રાખવા માટે શહેર પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બાબતે સુરત શહેર પોલીસ દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ કરતા કે પછી તેની સપ્લાય કરતા ઈસમોને પકડવા માટે ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ડ્રગ્સના વેપલા સાથે જોડાયેલા અનેક આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે સુરતની એલસીબી ઝોન વનની ટીમ અને સારોલી પોલીસની ટીમ સંયુક્ત ઓપરેશન કરી અફીણના મુદ્દામાલ સાથે રાજુરામ ઉર્ફે રાજેશ પટેલની ધરપકડ કરી છે.
LCB ઝોન 1ની ટીમને બાતમી મળી હતી કે, નિયોલ ચેકપોસ્ટ નજીક આવેલા છેડછા ગામ તરફ જતા રોડ પર એક ઈસમ અફીણ લઈને પસાર થવાનો છે. ત્યારે સારોલી પોલીસને સાથે રાખીને આ ઈસમને પકડવા માટે પોલીસે વોચ ગોઠવી હતી. એક ઈસમ શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ કરતા અને તપાસ દરમિયાન આ ઈસમ પાસેથી 168 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ ઈસમનું નામ રાજુરામ ઉર્ફે રાજેશ પટેલ કુમાવત છે અને તે તમિલનાડુના ગણપતિપુરાનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સારોલી પોલીસે 50,400 રૂપિયાના મુદ્દામાલ સાથે રાજુરામ ઉર્ફે રાજેશ પટેલની ધરપકડ કરી છે અને ઈસમ વિરુદ્ધ સારોલી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.