July 25, 2024

હેરિટેજ લિસ્ટમાં કચ્છડો બારે માસ

Prime 9 With Jigar:  UNESCOના આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ માટે ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમની પસંદગી થઈ છે. આ સાથે જ ગુજરાતની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમનો વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સમાવેશ કરાયો છે. વિશ્વમાં સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે પ્રયત્નશીલ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન એટલે કે UNESCO દર વર્ષે આ એવોર્ડ જાહેર કરે છે. 2015થી યુનેસ્કોના હેડક્વાર્ટર ખાતે દર વર્ષે પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ્સ જાહેર કરવામાં આવે છે. પ્રિક્સ વર્સેઇલ્સ અંતર્ગત દુનિયાભરમાંથી આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના શ્રેષ્ઠ સ્થાપત્યોની પસંદગી કરવામાં આવે છે. પ્રિક્સ વર્સેઇલ્સની વર્લ્ડ જ્યુરીના સભ્યો કઈ કેટેગરીઝમાં શ્રેષ્ઠ સ્થાપત્યોની પસંદગી કરે છે એની અમે વિગતો આપીશું.

પસંદગીના ધોરણો

 • એરપોર્ટ્સ અને કૅમ્પસ.
 • પેસેન્જર સ્ટેશન્સ અને સ્પોર્ટ્સ સેન્ટર્સ.
 • મ્યુઝિયમ અને ઍમ્પોરિયમ.
 • હોટેલ અને રેસ્ટોરન્ટ્સ.

2024માં પ્રથમ વખત જ મ્યુઝિયમ કેટેગરીની જાહેરાત કરવામાં આવી છે અને ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક દુનિયાના શ્રેષ્ઠ મ્યુઝિયમની યાદીમાં સ્થાન પામ્યું છે. આ વર્ષે UNESCO દ્વારા જાહેર કરાયેલાં 2024નાં વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમોની યાદીમાં કુલ સાત મ્યુઝિયમ સામેલ છે.

યાદીમાં સાત મ્યુઝિયમ

 • સ્મૃતિવન ભૂકંપ સ્મારક
 • ચીનના ચેંગડુનું એ4 આર્ટ મ્યુઝિયમ
 • ઇજિપ્તના ગિઝાનું ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ
 • જાપાનના હિરોશિમાનું સિમોસ આર્ટ મ્યુઝિયમ
 • નેધરલેન્ડ્સના એપલડૂર્નનું પલેઇસ હેટ લૂ
 • ઓમાનના માનાહનું ઓમાન એક્રોસ એજીસ મ્યુઝિયમ
 • પોલેન્ડના વોરસોનું પોલિશ હિસ્ટ્રી મ્યુઝિયમ

વારસાની ઉજવણી કરતાં યુનેસ્કોની અનેક યાદીમાં ગુજરાતના સ્થળોનાં નામ છે.

યુનેસ્કોની યાદીમાં જય જય ગરવી ગુજરાત
પાટણની રાણકી વાવ
અમદાવાદ શહેર
ધોળાવીરા અને ચાંપાનેર-પાવાગઢ

આ સ્થળો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ છે….ગરબાને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાયો સ્મૃતિવનને UNESCOનો એવોર્ડ મળ્યો…વૈશ્વિક સાંસ્કૃતિક સ્તરે ગુજરાતનો દબદબો વધ્યો આ દબદબામાં કચ્છનું યોગદાન મોટું છે….

ભુજના સ્મૃતિવનને પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ મળતા કચ્છના યુનેસ્કો દ્વારા સન્માનિત સ્થળોની સંખ્યા વધીને ચાર થઇ છે.

અદ્વિતીય કચ્છ

 • ધોળાવીરાને વિશ્વ વિરાસત સ્થળ તરીકે માન્યતા.
 • ધોરડો શ્રેષ્ઠ પ્રવાસન વિલેજ.
 • લખપતના ગુરુદ્વારાને યુનેસ્કો દ્વારા પ્રતિષ્ઠિત એવોર્ડ.
 • કચ્છનું ગૌરવ વધ્યું.

ગયા વર્ષે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ગુજરાતના ધોરડોને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’નું સન્માન આપ્યું હતું જ્યારે ગુરુદ્વારાને 2004માં સન્માન મળ્યું હતું. UNESCO દ્વારા પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ માટે ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું એ સમગ્ર દેશ માટે ગૌરવની ઘટના છે.ભારતના કોઈ મ્યુઝિયમને યુનેસ્કોના એવોર્ડ દ્વારા વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ હોય એવું પહેલી વાર બન્યું છે. સ્મૃતિવન ભૂકંપ સ્મારકને બીજા પણ અનેક એવોર્ડ પહેલાં મળી ચૂક્યા છે.

સ્મૃતિવનને મળ્યા અનેક એવોર્ડ્સ

 • બેસ્ટ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન ડિઝાઇન પ્રોજેક્ટ.
 • SBID ઇન્ટરનેશનલ ડિઝાઇન એવોર્ડ, કેટેગરીઃ પબ્લિક સ્પેસિસ.
 • રેડ ડોટ ડિઝાઇન એવોર્ડ 2023માં બ્રાન્ડ-કૉમ્યુનિકેશન ડિઝાઇન એવોર્ડ.
 • ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઇન એવોર્ડ્સમાં કલ્ચરલ આર્કિટેક્ચરમાં પ્લેટિનમ એવોર્ડ.
 • CII ડિઝાઇન એક્સલન્સ એવોર્ડ્સમાં સ્પેશિયલ ડિઝાઇન એવોર્ડ.
 • લંડન ડિઝાઇન એવોર્ડ્સમાં ઇન્ટિરિયર ડિઝાઇનમાં પ્લેટિનમ એવોર્ડ.
 • ગ્લોબલ આર્કિટેક્ચર એવોર્ડ્સમાં ગ્રીન આર્કિટેક્ચર માટે ગોલ્ડ એવોર્ડ.
 • ઇવેન્ટ APAC એવોર્ડ્સ 2023માં બેસ્ટ ટુરિઝમ એટ્રેક્શન એવોર્ડ.

ભુજના સ્મૃતિવન સાથે ગુજરાતમાં 26મી જાન્યુઆરી, 2001ના રોજ ત્રાટકેલા ગોઝારા ભૂકંપની કડવી યાદો જોડાયેલી છે તો સાથે સાથે આ કુદરતી આફત સામે લડવાનો કચ્છીઓનો મર્દાના મિજાજ પણ જોડાયો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 2001ના ગુજરાત ભૂકંપના પીડિતોને સમર્પિત અને કચ્છના લોકો માટે સ્મૃતિઉદ્યાન બનાવવાનો પ્રસ્તાવ 2004માં રજૂ કર્યો હતો. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરનારા કચ્છી અને ગુજરાતી પ્રજાના મર્દાના મિજાજની ગાથા છે અને પરમતત્વની અલૌકિક અનુભૂતિ છે.

સ્મૃતિવન વિશે જાણવા જેવી વાત

 • 18 વર્ષની મહેનત પછી તૈયાર થયું સ્મૃતિવન.
 • 28મી, ઑગસ્ટ, 2022ના રોજ PM મોદીએ લોકાર્પણ કર્યું.
 • ભુજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે બન્યું.
 • મ્યુઝિયમની ડિઝાઇન અદ્‌ભૂત.
 • ભુજના ભુજિયા ડુંગર પર 470 એકર વિસ્તારમાં ફેલાયેલું છે સ્મૃતિવન.
 • 11,500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યુઝિયમ.
 • મ્યુઝિયમમાં અલગ અલગ વિષયો પર આધારિત સાત ઍક્ઝિબિશન.

પુન:ર્જન્મ, પુનઃપ્રાપ્તિ, પુન:સ્થાપના…પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુન:જીવન અને નવીનીકરણ એમ સાત વિષયો
5D ભૂકંપ સિમ્યુલેટર અને 2001ના ધરતીકંપના પીડિતો માટેનું સ્મારક….સ્મૃતિવનમાં વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ, 5 લાખ વૃક્ષો …

સ્મૃતિવન વિશે જાણવા જેવી વાત

 • સન પૉઇન્ટ અને 8 કિમી લંબાઇનો ઓવરઓલ પાથવે.
 • 1.2 કિમીનો આંતરિક રોડ અને 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ.
 • 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા.
 • સ્મૃતિવનમાં 300થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ.
 • સ્મૃતિવનમાં 5 લાખ વૃક્ષોનું વાવેતર.
 • ભૂકંપની અનુભૂતિ કરાવવા એક વિશેષ થીએટરનું નિર્માણ.
 • 5D સ્ટિમ્યુલેટર દ્વારા ધ્રુજારી, ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી ભૂકંપનો વિશેષ અનુભવ.
 • 360 ડિગ્રી પ્રોજેક્શનની મદદથી ભૂકંપની અનુભૂતિ કરી શકાય.

ગુજરાતનું ભૂસ્તર અને કુદરતી આપત્તિનું જોખમ, 2001ના ધરતીકંપ પછીની રાહત કાર્ય દર્શાવતી તસવીરો, 2001ના ધરતીકંપ પછી પુનઃનિર્માણના પ્રયાસો, વિવિધ આફતોના પ્રકારો અને તૈયારીની તસવીરો છે. આ ઉપરાંત 50 ચેકડેમ બનાવીને ભૂકંપમાં જીવ ગુમાવનારા કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી ચેકડેમની દીવાલો પર મૂકવામાં આવી છે. અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ છે. સ્મૃતિવનને પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો એ પહેલાં ગુજરાતનાં ઘણાં સ્થળોને યુનેસ્કો સન્માન આપી ચૂક્યું છે. પાવાગઢ-ચાંપાનેર, અમદાવાદ શહેર, ધોળાવીરા અને રાણકી વાવ એમ ચાર સ્થળો વર્લ્ડ હેરિટેજ સાઇટ યુનેસ્કોની યાદીમાં સામેલ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં ભારતનાં 42 સ્થળોને સ્થાન મળ્યું છે. 1983 આગ્રા ફોર્ટ એટલે કે આગ્રાના લાલ કિલ્લાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું અને છેલ્લે ગયા વર્ષે 2023માં પશ્ચિમ બંગાળના શાંતિનિકેતને આ યાદીમાં સ્થાન મળ્યું હતું. વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ યુનેસ્કોની યાદીમાં ગુજરાતમાંથી સ્થાન પામનારું પહેલું સ્થળ

ગુજરાતનો વારસો

 • 2004માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામ્યું ચાંપાનેર.
 • પાવાગઢની તળેટીમાં આવેલું પ્રાચીન સ્થળ.
 • ચાંપાનેર 8મી સદીમાં વનરાજ ચાવડા દ્વારા વસાવવામાં આવ્યું હતું.
 • ચાંપારાજ તરીકે જાણીતા સેનાપતિ ચાંપાના નામ પરથી શહેરનું નામ ચાંપાનેર પડાયું.
 • ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું 26મું વર્લ્ડ હેરિટેજ સ્થળ.
 • ચાંપાનેરની પાસે મહાકાળી માતાનું પાવાગઢનું મંદિર.
 • તળેટીમાં હાલમાં ત્યજી દેવાયેલી જામા મસ્જિદ.
 • આ મસ્જિદ સુલતાન મુહમ્મદ બેગડાએ બંધાવી.
 • શહેરમાં વિવિધ યુગો, રાજાઓ અને ધર્મોની હેરિટેજ ઇમારતોનું મિશ્રણ.
 • પાંચ મનોહર પ્રવેશદ્વાર સુશોભિત કોતરણીથી ખૂબ જ સુંદર અને આકર્ષક.
 • ચાંપાનેર શહેરમાં હિન્દુ, જૈન અને મુસ્લિમોનાં સ્થાપત્ય.
 • ચાંપાનેરના કલાવારસાને ધ્યાને રાખી યુનેસ્કો દ્વારા 2004માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો.
 • ‘ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક’ નામ આપવામાં આવ્યું.
 • ચાંપાનેરમાં શાહી કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદની ભવ્ય ઈમારતની સુવ્યવસ્થિત રચના.
 • કોતરણી ભારતીય-ઇસ્લામી સુશોભનના કારણે પ્રખ્યાત.
 • પાંચ મનોહર પ્રવેશદ્વાર સુશોભિત કોતરણીથી લાગે છે આકર્ષક.
 • નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો.
 • કેવડા મસ્જિદ, શહેરની મસ્જિદ, લીલા ગુંબજ મસ્જિદની પોતપોતાની આગવી લાક્ષણિકતા.

અમે તમને આપણા ગૌરવવંતા ગુજરાત સહિત ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યો ધરાવતાં સ્થળો વિશે વધુ જાણકારી આપીશું.
વારસાના વૈભવના આ પ્રવાસને હવે આગળ ધપાવીએ. વધુ એક ગૌરવવંતા સ્થળની વાત. પાટણની રાણકી વાવ અથવા રાણીની વાવને 2014માં વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો. આ ઐતિહાસિક વાવ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમનાં પત્ની રાણી ઉદયમતી દ્વારા બાંધવામાં આવી હતી.

વાવ કે વાઉ

 • પાટણમાં આવેલી રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક.
 • ઇસવી સન 1063 એટલે કે 11મી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થાનો હેતુ.
 • રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી.
 • પુરાતત્ત્વ વિભાગ દ્વારા 1986માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ખોદકામ કરાયું.
 • રાણકી વાવની દીવાલો પર વિવિધ ધાર્મિક કલાકૃતિઓ અને શિલ્પની અદ્ભૂત કોતરણી.
 • વાવના સ્તંભો પર પણ ઘણી કલાકૃતિઓ અને શિલ્પોની શાનદાર કોતરણી.
 • કોતરણી ભગવાન શ્રીરામ, વામન, નરસિંહ સહિતનાં ભગવાન શ્રીવિષ્ણુના વિવિધ સ્વરૂપોને સમર્પિત.
 • વાવમાં દેવીદેવતાઓની સાથે અપ્સરા અને નાગકન્યાઓની મૂર્તિઓ પણ કંડારવામાં આવી.
 • રાણકી વાવમાં એક નાનો દરવાજો, જે સિદ્ધપુર જતા 30 કિમી લાંબા બોગદામાં ખુલે.
 • રિઝર્વ બેંકે 2018માં બહાર પાડેલી 100 રૂપિયાની ચલણી નોટમાં પાછળના ભાગમાં રાણકી વાવ દર્શાવાઈ.

યુનેસ્કોએ અમદાવાદ શહેરનો 2017માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કર્યો હતો. અહમદશાહે ઈ.સ 1411માં અમદાવાદ શહેરનો પાયો નાંખ્યો એ પહેલાં તે આશાવલ્લી અને પછી કર્ણાવતી તરીકે ઓળખાતું હતું. અહમદશાહે પોતાના નામ પરથી શહેરનું નામ અહમદાબાદ રાખ્યું હતું, જે પછીથી અમદાવાદ તરીકે ઓળખાયું. હેરિટેજ મકાનો, પ્રાચીન ઇમારતો, તળાવ, કુવા, આશ્રમ, કિલ્લો અને ત્રણ દરવાજા તથા ઐતિહાસિક આર્કિટેક્ચરના નમૂના અમદાવાદમાં છે.

આગવું અમદાવાદ

 • અમદાવાદ દેશનું પ્રથમ હેરિટેજ શહેર.
 • અમદાવાદની પોળોમાં નકશીદાર લાકડાની હવેલીઓની વાસ્તુકળા.
 • વર્ષોથી ઇસ્લામિક, હિન્દુ અને જૈન સમુદાયોનું એક ધર્મનિરપેક્ષ સહઅસ્તિત્વ.
 • અંગ્રેજો માટે આ શહેર ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું.
 • 606 વર્ષ જૂના અમદાવાદ શહેરમાં ઘણાં જોવાં અને માણવાલાયક સ્થળો.
 • અમદાવાદને હેરિટેજ સાઇટનો દરજ્જો આ પોળોના કારણે જ મળ્યો.
 • અત્યારના અમદાવાદમાં સાંસ્કૃતિક, ધાર્મિક અને આધુનિકતાનો સમન્વય.
 • 2017માં અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો.

યુનેસ્કો દ્વારા 2021માં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ કરાયું. સામાન્ય ગામ જેવું જ લાગતું આ ગામ ભારતીય સંસ્કૃતિના વિકાસનો અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે. ધોળાવીરા નગરમાં પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના અને લોકોની જીવનશૈલીને આજે પણ આદર્શ માનવામાં આવે છે.

ગુજરાતનું ગૌરવ ધોળાવીરા

 • ધોળાવીરાને સ્થાનિકો કોટડો અથવા મહાદુર્ગ પણ કહેવાય.
 • શહેર સિંધુ સંસ્કૃતિના ‘મૉડર્ન ટાઉન પ્લાનિંગ’ માટે જાણીતું હતું.
 • કચ્છના ભચાઉમાં આવેલું ધોળાવીરા પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતું નગર.
 • ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું એક સમૃદ્ધ કેન્દ્ર ધોળાવીરા.
 • ધોળાવીરા શહેરના અવશેષો 100 હેક્ટર જમીનમાં ફેલાયેલા.
 • ધોળાવીરા સદીઓ પહેલાં ધમધમતું હતું.
 • પચાસ હજાર લોકો આ નગરમાં રહેતા હોવાનું અનુમાન.
 • ધોળાવીરામાં પાકી ઈંટોનાં મકાન.
 • મોહેન્જોદડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટ દ્વારા બાંધકામ.
 • સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા કહે છે.

ગરબો યુનેસ્કોના માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની શ્રેણીમાં સામેલ થનાર ભારતનો 15મો સાંસ્કૃતિક વારસો છે.

ભારતનો સાંસ્કૃતિક વારસો

 1. રામલીલા અને યોગ
 2. વૈદિક મંત્રોચ્ચાર
 3. કુંભમેળો અને કુટ્ટિયાટમ
 4. કેરળનાં સંસ્કૃત નાટકો
 5. ગઢવાલ હિમાલયના ધાર્મિક અને વારસાગત નાટક રમન
 6. કેરળનાં વારસાગત નૃત્ય નાટકો મુદીયેટ્ટુ
 7. રાજસ્થાનનાં કાલબેલિયા ગીતો અને નૃત્ય
 8. પૂર્વ ભારતનું ચાઉ નૃત્ય
 9. લદાખમાં બૌદ્ધ મંત્રોચ્ચાર
 10. મણિપુરનાં પારંપારિક ગીતો અને નૃત્ય – સંકીર્તન
 11. પંજાબનાં પિત્તળ અને તાંબાનાં વાસણ બનાવવાની હસ્તકળા
 12. નવરોઝ અને કલકત્તાની દુર્ગાપૂજા

ગરબો ગુજરાતની ઓળખ છે અને પરંપરાગત રીતે સદીઓથી ગુજરાતીઓ ગરબા ગાય છે. ગરબો એક પ્રકારનું ધાર્મિક અને ભક્તિમય નૃત્ય છે.નવરાત્રીના નવ દિવસો દરમિયાન લોકો મા શક્તિની ઉપાસનાની ઉજવણી કરવા માટે ગરબા ગાય છે. નવરાત્રી દેવીશક્તિની ઉપાસનાને સમર્પિત છે અને આ શ્રદ્ધાની સાંસ્કૃતિક અભિવ્યક્તિ ગરબા દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. પરંપરાગત રીતે ગરબો ગામના ચોકમાં ગવાતો પણ હવે ગરબાની ઉજવણી ઘરો અને મંદિરનાં પ્રાંગણમાં, ગામડાંમાં જાહેર સ્થળે, શહેરી ચોક, શેરીઓ અને વિશાળ ખુલ્લાં મેદાનોમાં પણ થાય છે. શહેરી વિસ્તારોમાં તો પાર્ટી પ્લોટ અને ક્લબો ગરબા માટે વધારે લોકપ્રિય સ્થળો બની ગયાં છે. આમ ગરબા એક સર્વગ્રાહી સહભાગી સમુદાયનો કાર્યક્રમ બની જાય છે.

સાહિત્યમાં ગરબો

 • ‘ગરબો’ શબ્દ અત્યંત પ્રચલિત.
 • કે. કા. શાસ્ત્રીના મતે ગરબો શબ્દ દીપગર્ભ ઘટઃ પરથી આવ્યો.
 • દીપગર્ભ શબ્દમાંથી પૂર્વપદ ‘દીપ’નો લોપ થતાં ‘ગર્ભ’ શબ્દ રહ્યો.
 • જેના પરથી ‘ગરભો’ થઈને ‘ગરબો’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો.
 • ગર્ભ શબ્દનો અર્થ ‘ઘડો’ અથવા ‘ઘડું’ થાય.
 • છિદ્રવાળા ઘડાને ‘ગરબો’ કહેવાય.
 • નૃત્ય માટે ‘ગરબો’ પ્રચલિત બન્યો.
 • અખંડ ઘડામાં છિદ્ર પડાવવા તેને ‘ગરબો કોરાવવો’ કહેવાય.
 • ઘડાના ગર્ભમાં એટલે કે મધ્યમાં દીવાવાળા ઘડાને ગરબો કહેવાય.
 • ‘ગરબો’ શબ્દ કાણાંવાળા માટીના કે ધાતુના ઘડા માટે રૂઢ બન્યો.
 • ગરબો દૈવીશક્તિનું પ્રતીક બન્યો.
 • ગરબો માથે લઈને કે વચ્ચે સ્થાપી કૂંડાળું ગાવાની પરંપરા.
 • ગુજરાતીમાં પ્રથમ ગરબો વલ્લભ મેવાડાએ લખ્યો.
 • ગુજરાતીમાં વલ્લભ મેવાડા ગરબાનો પર્યાય ગણાય.
 • વલ્લભ મેવાડાના ગરબાનું કેન્દ્ર માતાની પ્રકટ ભક્તિ.
 • સામાન્ય રીતે રાસ-ગરબા એવો શબ્દ વપરાય, પણ રાસ શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલો.

ગુજરાતી ગરબાને PM મોદીએ રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ કર્યો એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આદ્યશક્તિનાં પ્રખર ઉપાસક PM મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યની સાંસ્કૃતિક બાબતોને વૈશ્વિક માન્યતા અપાવવાના જે પ્રયત્નો કર્યા તેમાં ગરબો મુખ્ય હતો. તેમણે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ અપાવી. નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ હતો પણ PM મોદીના કારણે એને વૈશ્વિક સ્તરે નામના મળી એ સ્વીકારવું પડે. ગુજરાતમાં પણ વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને કારણે યુવાઓમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા તરફ સભાનતા જાગી અને આજે નવરાત્રિ ગુજરાતમાં સૌથી લોકપ્રિય ઉત્સવ મનાય છે.ગુજરાતીઓ ગરબાની મજા માણે જ છે પણ યુનેસ્કો દ્વારા સન્માનિત સ્થળોની પણ મુલાકાત લે એવી અમારી અપીલ છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાથી નવી પેઢી વાકેફ થાય એ માટે આ મુલાકાત જરૂરી છે.

યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને પણ ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરાઈ ચૂક્યો છે. યુનેસ્કો દ્વારા 6 ડિસેમ્બર 2023ના રોજ ગરબાને આ સન્માનની જાહેર કરવામાં આવ્યું હતું. જેના પછી 22 માર્ચ 2024ના રોજ યુનેસ્કોનાં ડાયરેક્ટર જનરલ ઓડ્રે અઝોલે પેરિસ ખાતે ગુજરાતના રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક બાબતોના મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાને વિધિવત્ રીતે પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું. વિશ્વની 15 સાંસ્કૃતિક વિરાસતનો યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવેશ કરાયો છે.

વિશ્વની અમૂર્ત ધરોહર

 • ગુજરાતના ગરબા.
 • બાંગ્લાદેશના ઢાકાની રિક્ષા અને રિક્ષા પરનું ચિત્રકામ.
 • થાઇલૅન્ડમાં સોંગક્રન.
 • થાઇલૅન્ડનો પરંપરાગત થાઇ ન્યૂ યર ફૅસ્ટિવલ હિરાગાસી.
 • મેડાગાસ્કરના સૅન્ટ્રલ હાઇલેન્ડ્સની પર્ફૉર્મિંગ કળા.
 • બહામાઝમાં જંકનુ.
 • સુદાનમાં પયગમ્બર મહમદના જન્મદિનની શોભાયાત્રા અને ઉજવણી.