September 17, 2024

કોલકાતા હત્યાકાંડમાં કંગનાએ કહ્યું – ‘ભયાનક ઘટના છે, હત્યારાને કડક સજા આપવામાં આવે’

કોલકાતા: કોલકાતાની આરજી હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરની બર્બરતા અને હત્યાને લઈને બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની પ્રતિક્રિયા સામે આવી છે. અભિનેત્રીએ કહ્યું છે કે આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેણે કહ્યું કે આવી ઘટનાઓ સમાજ માટે અત્યંત અસંસ્કારી અને ભયાનક છે. હું આશા રાખું છું કે હત્યારાને સખત સજા આપવામાં આવશે.

કંગનાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળની સરકારી હોસ્પિટલ આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા તાલીમાર્થી ડોક્ટરની હત્યાનો મામલો ખૂબ જ ખતરનાક અને ડરામણો છે. શુક્રવારે સવારે હોસ્પિટલના સેમિનાર હોલમાં મહિલા ડોક્ટરની અર્ધ-નગ્ન લાશ મળી આવી હતી. તેના શરીર પર ઈજાના નિશાન હતા. બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. ઓટોપ્સીમાં ખુલાસો થયો હતો કે તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. મને આશા છે કે આ કેસની સંપૂર્ણ તપાસ માટે સીબીઆઈને સોંપવામાં આવશે અને હત્યારાને કડક સજા આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કહ્યું હતું કે જો કોલકાતા પોલીસ એક સપ્તાહની અંદર તપાસ નહીં કરી શકે તો તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે. તેઓ મૃતકના સ્વજનોને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે તે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવા માંગે છે. આ ઘટના સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ‘બાંગ્લાદેશની વચગાળાની સરકારે માગી માફી, કહ્યું- ‘હિંદુઓની રક્ષા ન કરી શક્યા’

ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. સોમવારે રાજધાની દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં પણ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. આરજી કાર હોસ્પિટલના પ્રિન્સિપાલે રાજીનામું આપ્યું છે. ઘટના સ્થળેથી મળેલા બ્લુટુથ હેડફોનની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે.