જામનગર SOGએ 150 કરોડના કૌભાંડના 3 આરોપીને કચ્છથી ઝડપી પાડ્યા

જામનગર: જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે ભારત સરકાર સાથે 150 કરોડની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 15.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા (ઉ.41), મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ સોઢા (ઉ.27) અને સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા (ઉ.24)નો સમાવેશ થાય છે. આ આરોપીઓએ બોગસ સ્ટેમ્પ, નોટરી કરાર અને ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરી બોગસ પેઢીઓના નામે બિલિંગ કર્યું હતું.
જામનગર જિલ્લાના પોલીસવડા પ્રેમસુખ ડેલૂએ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને SIT ટીમની રચના કરી હતી. Dy.SP જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ PSI આર.ડી. ગોહિલે તપાસ હાથ ધરી હતી. PI બી.એન.ચૌધરીની સૂચના મુજબ SOG ટીમે કચ્છ આડેસર ચેક પોસ્ટ પરથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ અને મુદ્દામાલને જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કેસમાં સુરત DCB ક્રાઈમ પોલીસના બોગસ હથિયાર લાયસન્સના ગુનામાં પણ આરોપીઓ સામેલ હતા.