November 2, 2024

નકલી જજ મામલે મોટો ખુલાસો, મોરિસ ક્રિશ્ચિયનના કારનામા ખૂલ્યાં

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં નકલી જજ બનેલા મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. AMCની જમીન પચાવી પાડવા ખોટી આર્બિટેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. આજે ફરી વધુ એક ગુનો નોંધાશે. આરોપી વિરુદ્ધ 13 એપ્લિકેશન થઈ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. જ્યારે તેની કાયદાની ડિગ્રીને લઈને તપાસમાં ઘટસ્ફોટ થયા છે. ખુદને જજ સમજીને ન્યાયિક પ્રક્રિયા કરનારા નકલી જજના કારનામા શું છે.

22 ઓક્ટોબરના દિવસે પોલીસે ધરપકડ કરેલા આ નકલી જજ મોરિસ સૅમ્યુઅલ ક્રિશ્ચિયનને કોર્ટમાં રજૂ કર્યો, ત્યારે પણ તેણે જજ સમક્ષ પોતે આર્બિટ્રેટર જજ અને લવાદ હોવાનો દાવો કર્યો હતો. નકલી કોર્ટ બનાવીને છેલ્લાં નવ વર્ષથી કોર્ટ ચલાવીને ચુકાદા આપતો હતો. મોરિસ ખુદની કાયદાશાસ્ત્રમાં પીએચડી તરીકેની ઓળખ આપીને આર્બિટ્રેટર કમ કાઉન્સિલિ એટર બનીને અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરની વિવાદમાં પડેલી જમીનના કેસોમાં ચુકાદા આપતો હતો. પરંતુ પોલીસ તપાસમાં તેની ડિગ્રીને લઈને નવો ઘટસ્ફોટ થયો છે.

LLDની ડિગ્રી ટોનગો યુનિવર્સિટીની છે, જે સામાજિક કાર્યકર્તા તરીકેના બહુમાન માટે આપવામાં આવે છે. જ્યારે 2015માં ICAની દિલ્હી ડિગ્રી આજીવન સભ્યની છે. આ ડીગ્રી લવાદ તરીકેની ઓળખ નથી. આ ઉપરાંત મોરિસે LLB જે યુનિવર્સિટીમાંથી કર્યું છે, તે પણ બાર કાઉન્સિલમાં માન્ય નથી. જેથી તે વકીલ પણ નથી. જ્યારે ડબલ PHDની ઓળખ પણ ખોટી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. એટલું જ નહીં, મોરિસ ક્રિશ્ચિયન વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પચાવવાના ચુકાદાને લઈને વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં વકીલ એસવી રાવલ અને મોરિસે 2019માં જમીનની ગેરકાયદે ખોટી આર્બિટેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. આ ઉપરાંત આજે વધુ એક ફરિયાદ નોંધાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન વિરુદ્ધ ચુકાદાને લઈને 13 અરજી કરવામાં આવી છે. જેમાં 9 પેન્ડિગ છે. જ્યારે આરોપી વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશન અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયા છે અને ચાંદખેડા અને મણિનગરમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે કારંજમાં નકલી જજને લઈને વધુ 2 ફરિયાદ નોંધાઈ છે. મોરિસ ક્રિશ્ચિયન મૂળ સાબરમતીનો છે. 2013માં મોરિસે ગાંધીનગરમાં નકલી કોર્ટ શરૂ કરી હતી. 4 માસ બાદ પોલીસ ફરિયાદ થતા કોર્ટની જગ્યા બદલી નાંખી હતી. આરોપીએ ગાંધીનગર, અમદાવાદ અને વડોદરાની વિવાદિત જમીનોના કેસમાં છેલ્લા એક વર્ષમાં 500 કેસમાં ચુકાદા આપ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

મહત્વનું છે કે, 2015માં કોર્ટનું ભારણ ઓછું કરવા માટે સરકારે લવાદ નીમવાની શરૂઆત કરી હતી. જેના ભાગરૂપે જે કેસમાં બંને પક્ષની મંજૂરીથી સમાધાન થાય એના માટે આર્બિટ્રેટર અને ઍટર્નીની નિમણૂક કરવામાં આવતી હતી. આ સમયે મોરીસે ક્યાંકથી પોતે આર્બિટ્રેટર હોવાનું એક સર્ટિફિકેટ મેળવી લીધું અને પોતાની નકલી કોર્ટ શરુ કરી હોવાનું ખુલ્યું છે. સૌપ્રથમ આરોપીએ ગાંધીનગરના સૅક્ટર-21માં કોર્ટ શરૂ કરી હતી. જેમાં જજની ખુરશી મૂકી, બે ટાઇપિસ્ટ રાખ્યા, એક-એક બેલિફ રાખી વિવાદિત જમીન અને મકાનનાં કેસોમાં ચુકાદા આપવાનું શરૂ કરી દીધું હતું.

કારંજ પોલીસે કોર્ટમાં કર્મચારીઓ તરીકે ફરજ બજાવતા લોકોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી. આ ઉપરાંત CDR કઢાવવામાં આવ્યા છે. આરોપીએ સહી સિક્કા બનાવીને પોતાની ઓથોરિટીથી ચુકાદો આપતો હતો. આરોપી સિટી સિવિલ કોર્ટ, ગાંધીનગર કોર્ટ અને હાઇકોર્ટની કેન્ટીનમાં બેસીને પક્ષકારોને ટાર્ગેટ કરતો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. કારંજ પોલીસે આરોપી વિરુદ્ધ વધુ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.