July 25, 2024

ગૂગલના નવા ફીચરથી ચોરાયેલો મોબાઈલ બની જશે માત્ર ‘રમકડું’

Google: સતત અને સખત રીતે બદલતી ટેકનોલોજીમાં ક્યારેક એવી ફીચર્સ આવી જાય છે કે, ખરા અર્થમાં એવું લાગે છે જાણે ચિંતા મુક્ત થઈ ગયા. જ્યારે કોઈ પણ મોબાઈલ ચોરાઈ જાય ત્યારે સૌથી વધારે ચિંતા એમાં રહેલા ડેટાની થાય છે. ખાસ કરીને ફોટો-વીડિયો અને સંપર્કો મોબાઈલ ધારકની ડિજિટલ પ્રોપર્ટી સમાન બની ગયા છે. એમ કહેવામાં કંઈ ખોટું નથી. ટેક કંપની ગૂગલ એક એવું ફીચર લઈને આવી છે, જેનાથી મોબાઈલ ચોરી કરનારાને હવે કંઈ હાથ નહીં લાગે. એટલું જ નહીં મોબાઈલ પણ જાણે વ્યર્થ રમકડું બની ગયો હોય એવું લાગશે. ચાલો જાણીએ આ નવી ફીચર અંગે.

શું છે આ નવું ફીચર
ગૂગલ કંપની નવા નવા ડીવાઈસ પર સમયાંતરે ટેસ્ટ શરૂ કરે છે. એમાં જે તે ફીચર પાસ થઈ જાય તો એની ગૂગલ પ્લે સ્ટોર પર એપ્લિકેશન અથવા તો અપડેટ જાહેર કરે છે. એન્ડ્રોઈડ ફોનમાં આવા ફીચર્સને સમગ્ર ઑપરેટિંગ સિસ્ટમની નવી અપડેટ સાથે આપવામાં આવે છે. કંપનીએ હાલ તો એન્ટી થેફ્ટ ફિચર પર કામ કરી રહી છે. એક રીપોર્ટ અનુસાર આ ફીચરનું ટેસ્ટિંગ બ્રાઝિલમાં શરૂ થઈ ચૂકયું છે. જે ત્રણ રીતે કામ કરી રહ્યું છે. એન્ડ્રોઈડ ફોનમાં તે સેફગાર્ડ તરીકે કામ કરશે. આ ફોન જ્યારે ચોરી થઈ જશે ત્યારે કામ આવશે. Google I/0 2024 માં, ટેક જાયન્ટે નવા થેફ્ટ ડિટેક્શન ફીચર લૉક વિશે માહિતી આપી હતી. આ ફીચર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે અને ફોન ચોરાઈ ગયો છે કે નહીં તે શોધી કાઢે છે. ગૂગલે આ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે અને તેની શરૂઆત બ્રાઝિલથી થઈ છે.

કંઈ થઈ શકશે નહીં
ગૂગલનું આ ફીચર ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે. સ્માર્ટફોન ચોરાઈ ગયા પછી, આ ટેકનિક મોબાઈલને લોક કરી દેશે, ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ UPI એપની મદદથી કોઈ ડેટા, ફોટો કે પેમેન્ટ કરી શકશે નહીં.નવા એન્ટી-થેફ્ટ ફીચરનો હેતુ યુઝર્સના ડેટાને સુરક્ષિત કરવાનો છે, જે સ્માર્ટફોનમાં હાજર છે. ગૂગલના જણાવ્યા અનુસાર, આ નવું ફીચર હંમેશા યૂઝર્સના ડેટાને ચોરી પછી અથવા ચોરી દરમિયાન સુરક્ષિત રાખશે. ગૂગલનું આ ફીચર ત્રણ રીતે કામ કરશે એટલે કે ફોનને ત્રણ રીતે લોક કરવાનું કામ કરશે. પહેલા, હેન્ડસેટ ચોર પાસે છે કે મૂળ માલિક પાસે છે તે શોધવા માટે Google AI નો ઉપયોગ કરશે. થોડીવાર ડિટેક્ટ કર્યા બાદ તે મોબાઈલને લોક કરી દેશે.

આ પણ વાંચો: જે ફોનથી મેલોનીએ PM મોદી સાથે સેલ્ફી લીધી, જાણો તે ફોનની કિંમત

બીજા ફોનમાંથી પણ લોક કરી શકાશે
બીજી રીત એ છે કે યૂઝર્સ પોતાના સ્માર્ટફોનની સ્ક્રીનને રિમોટલી લોક કરી શકે છે, આ માટે યુઝર્સ કોઈપણ અન્ય ડિવાઈસનો ઉપયોગ કરી શકે છે અને કોઈ પ્રોસેસ ફોલો કરીને ચોરેલા મોબાઈલને લોક કરી શકે છે. ત્રીજો રસ્તો એ છે કે તેનાથી ચોરેલો મોબાઈલ ઓટોમેટીક લોક થઈ જાય છે. જ્યારે ફોન લાંબા સમય સુધી ઇન્ટરનેટ સાથે કનેક્ટ થતો નથી, ત્યારે તે આપમેળે લોક થઈ જશે. Google એ આ સુવિધાને એક સુરક્ષા તરીકે ડિઝાઇન કરી છે, જે શંકાસ્પદ પ્રવૃત્તિ થાય ત્યારે તરત જ ચાલુ થઈ જાય છે. પ્લે સર્વિસ (Android 10+) દ્વારા આ ફીચરનો રોલ આઉટ શરૂ થયો છે.