જામનગરની જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં, રેસિડેન્ટ ડોક્ટરનો જાતીય સતામણી કરવાનો આક્ષેપ

જામનગરઃ સરકારી જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં પ્રોફેસર સામે ચોંકાવનારી ફરિયાદ કરવામાં આવી છે. તેને લઈને સમગ્ર હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના એક પ્રોફેસર સામે જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી છે.
આ મામલે ભોગ બનનારી તબીબ વિદ્યાર્થિનીએ લેખિતમાં ફરિયાદ કરી છે. તેણે ફરિયાદમાં લખ્યું છે કે, ડો. દીપક રાવલ ફોટા પાડીને મોકલતો હતો અને લખતો હતો કે, તું બહુ સુંદર છે. ઉલ્લેખનીય છે કે, અનેક રેસિડેન્ટ તબીબ આ પ્રકારની ઘટનાનો ભોગ બન્યાની આશંકા છે. આ મામલે વિભાગીય વડા દ્વારા પણ તબીબ સામે અનેક રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હતી. ભોગ બનનારી મહિલા તબીબે ડિન અને પ્રાધ્યાપક અને વડા એનેસ્થેસિયા વિભાગને પણ ફરિયાદની નકલ રવાના કરી છે.
મેડિકલ કોલેજના ડિન ડોક્ટર નંદીની દેસાઈએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘મને હજુ સુધી જાતીય સતામણીની ફરિયાદ મળી નથી. વિભાગમાં અંદરખાને ઘર્ષણ ચાલુ હોવાની મને ફરિયાદ મળી છે. ત્રણ સિનિયર પ્રાધ્યાપકની કમિટી આ સમગ્ર મામલે તપાસ કરશે. તપાસ બાદ જે તથ્ય હશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.’