September 14, 2024
‘૪૦૦ કે પાર’ માટે ‘આર યા પાર’
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Public Opinion

રામ રાખે તેને કોણ ચાખે? આ માત્ર એક કહેવત નથી, પણ ૪૦૦થી વધુ બેઠકો જીતવાની બીજેપીની આશાનો આધાર છે. આ આશા એટલા માટે છે કે રામબાણ અચૂક છે, આ જ કારણથી શ્રીરામને પ્રચાર રથમાં આગળ કરીને બીજેપી આગળ વધી રહી છે. શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ બાદ જે રીતે સમગ્ર દેશ રામમય થઈ ગયો છે એ કમળમય થઈ જવાની શાસકોને આશા છે, એટલે જ તેમણે ૪૦૦થી વધુ બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે.

આ ટાર્ગેટને લઈને કદાચ આપને સવાલો થતા હશે કે,
બીજેપી ૪૦૦થી વધુ બેઠકો જીતી શકશે? તેની તરફેણમાં કયાં પરિબળો છે અને વિરુદ્ધમાં કઈ બાબતો છે? અત્યાર સુધીમાં કઈ પાર્ટીએ ક્યારે ૪૦૦થી વધારે બેઠકો જીતી છે?

સૌથી પહેલાં બીજેપીના ટાર્ગેટની વાત કરીએ,
બીજેપીનો ટાર્ગેટ ૪૦૦થી વધારે બેઠકોની સાથે ૫૦ ટકા વોટ શૅરનો પણ છે. સ્વાભાવિક રીતે આ ખૂબ જ મોટો ટાર્ગેટ છે. કોંગ્રેસ જ્યારે સત્તાના શિખરે હતી ત્યારે પણ એના માટે આ ટાર્ગેટ હાંસલ કરવો મુશ્કેલ હતો. કોંગ્રેસે માત્ર ૧૯૮૪ની ચૂંટણીમાં ૪૦૦થી વધારે બેઠકો જીતી હતી. જેનું કારણ પણ સ્પષ્ટ હતું. ઇન્દિરા ગાંધીની હત્યાના કારણે કોંગ્રેસને સમગ્ર દેશની સહાનુભૂતિ મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ૪૮.૧ ટકા વોટ શેર મેળવ્યો હતો. જેની સામે બીજેપીએ ૫૦ ટકા વોટ શેરનો ટાર્ગેટ રાખ્યો છે.

સવાલ એ છે કે આ મિશન પોસિબલ છે?
આ સવાલ થવાનું સૌથી મોટું કારણ એક માન્યતા છે. અનેક રાજકીય પંડિતો અને વિરોધ પક્ષોના નેતાઓ પણ બીજેપીને હિન્દીભાષી રાજ્યોની પાર્ટી જ માને છે. જે પણ હકીકત નથી. રાજકીય પંડિતો અને વિરોધ પક્ષોની આ વાત કેવી રીતે ખોટી છે એ સમજવા માટે આપણે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો પર નજર કરવી પડે. આ ચૂંટણીમાં બીજેપીએ ૩૦૩ બેઠકો પર જીત મેળવી હતી, જેમાંથી ૨૨૩ બેઠકો તો માત્ર આઠ રાજ્યોની છે. આ આઠ રાજ્યોમાંથી ત્રણ ઉત્તર ભારતનાં રાજ્યો, બે પૂર્વ, બે પશ્ચિમનાં અને એક દક્ષિણનું રાજ્ય છે.

આ આઠ રાજ્યો કયા છે એ પણ જાણીએ

રાજ્ય બીજેપીની બેઠકો
ઉત્તર પ્રદેશ 62
મધ્ય પ્રદેશ 28
ગુજરાત 26
કર્ણાટક 25
રાજસ્થાન 24
મહારાષ્ટ્ર 23
પશ્ચિમ બંગાળ 18
બિહાર 17

એટલે જ માત્ર હિન્દીભાષી રાજ્યોમાં જ બીજેપીની વોટબેંક હોવાની વાત ખોટી છે. દક્ષિણમાં બીજેપી ઉત્તર ભારત જેટલી મજબૂત નથી એ પણ એક હકીકત છે. ઉત્તર ભારતમાં પણ બીજેપી ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ખૂબ જ મજબૂત જણાઈ રહી છે. ખાસ કરીને શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ બાદ. સમગ્ર દેશ રામમય છે તો એનું કેન્દ્રસ્થાન ઉત્તર પ્રદેશનું અયોધ્યા છે. ઉત્તર પ્રદેશમાં ગઈ ચૂંટણીમાં બીજેપીએ ૮૦માંથી ૬૨ બેઠકો જીતી હતી. ૨૦૧૯ બાદ હવે સમાજવાદી પાર્ટી, બીએસપી અને રાષ્ટ્રીય લોકદળ નબળા પડી ગયા છે. હવે મિશન ૪૦૦ પ્લસની વાત કરીએ તો એના માટે બીજેપીએ આ રાજ્યમાંથી ૬૨ નહીં પણ ઓછામાં ઓછી ૭૨ બેઠકો પર જીત મેળવવી પડે.

હવે બીજા હિન્દીભાષી રાજ્યની વાત કરીએ,
બિહારમાં ૨૦૧૯ની ચૂંટણીમાં બીજેપીનું જનતા દળ (યુનાઇટેડ)ની સાથે ગઠબંધન હતું. જેના કારણે બીજેપીએ ૧૭ બેઠકો પર જ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. આ તમામ બેઠકો પર એણે જીત મેળવી હતી. આ વખતે મિશન ૪૦૦ પ્લસના ટાર્ગેટને પાર પાડવા માટે બીજેપીએ ૩૫થી વધુ બેઠકો જીતવી પડે. આ મિશનને પાર પાડવા માટે જ બીજેપીએ નીતીશ કુમારનો સાથ મેળવ્યો છે. હવે નીતીશના સાથથી કેટલી બેઠકો પર કમળ ખીલશે એ જાણવા માટે પરિણામો સુધી રાહ જોવી રહી.

હવે રાજસ્થાનમાં જઈએ,
ગઈ ચૂંટણીમાં ૨૫માંથી ૨૪ બેઠકો બીજેપીએ જીતી હતી. વળી, વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ ભવ્ય જીત મેળવી છે. એટલે ચોક્કસ જ બીજેપીની આશા વધી હશે. પણ મિશન ૪૦૦ પ્લસ માટે બીજેપીએ ૨૫માંથી ૨૫ બેઠકો પર જીત મેળવવી પડે. હવે આપણા ગુજરાતમાં આવીએ. ગઈ લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ તમામેતમામ ૨૬ બેઠકો પર જીત મેળવી હતી. મિશન ૪૦૦ પ્લસ માટે બીજેપીએ આટલી જ બેઠકો જાળવી રાખવી પડે.

હવે ગુજરાતના પાડોશી મધ્ય પ્રદેશમાં જઈએ,
જ્યાં ગઈ લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ ૨૯માંથી ૨૮ બેઠકો પર જીત મેળવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં પણ બીજેપીએ શાનદાર જીત મેળવી. મિશન ૪૦૦ પ્લસ માટે આ રાજ્યમાં બીજેપીએ તમામેતમામ બેઠકો પર જીત મેળવવી પડે. મધ્ય પ્રદેશની જેમ છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીમાં પણ બીજેપીને જીત મળી છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં આ રાજ્યની ૧૧માંથી ૯ બેઠકો બીજેપી જીતી હતી. આ વખતે મિશન ૪૦૦ પ્લસ માટે તમામે તમામ બેઠકો જીતવી જરૂરી છે.

હવે વાત મહારાષ્ટ્રની કરીએ,
જ્યાં બીજેપી ગઠબંધન સરકારમાં છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં ૪૮માંથી ૨૩ બેઠકો બીજેપીના ફાળે રહી હતી. પણ મિશન ૪૦૦ પ્લસ માટે આ રાજ્યમાં બીજેપીએ ઓછામાં ઓછી ૪૦ બેઠકો જીતવી પડે.

હવે બીજાં કેટલાંક રાજ્યો પર નજર કરીએ,
છ રાજ્યોમાં ગઈ લોકસભાની ચૂંટણીની જેમ બીજેપીએ આ વખતે પણ પૂરેપૂરી બેઠકો જીતવી પડે. હરિયાણામાં ગઈ ચૂંટણીની જેમ આ વખતે પણ ૧૦માંથી ૧૦, દિલ્હીમાં સાતમાંથી સાત, ઉત્તરાખંડની પાંચમાંથી પાંચ, હિમાચલ પ્રદેશની ચારમાંથી ચાર અને એ સિવાય અરુણાલચ પ્રદેશ અને ત્રિપુરાની બંને બેઠકો જીતવી પડે. એ જ રીતે ચંડીગઢ અને લદ્દાખમાં પણ જીતની પરંપરા પણ જાળવી રાખવી પડે.

મિશન પ્લસ માટે બીજેપીએ બીજાં કયાં રાજ્યોમાં વધારે મહેનત કરવી પડશે એના પર એક નજર કરીએ,
આસામમાં ગઈ લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ ૧૪માંથી ૯ બેઠકો જીતી હતી, આ વખતે ૧૨ બેઠકો જીતવી પડશે. પશ્ચિમ બંગાળમાં ગઈ ચૂંટણીમાં ૪૨માંથી બીજેપી માત્ર ૧૮ બેઠકો જીતી હતી, મમતા બેનર્જીના આ ગઢમાં બીજેપીએ ખૂબ મહેનત કરવી પડશે, આ વખતે આ રાજ્યમાં ઓછામાં ઓછી ૩૦ બેઠકો જીતવી પડશે. ઓડિશામાં પણ એ જ રીતે બીજેપીએ વધારે પ્રચાર કરવો પડશે, નવી રણનીતિ અપનાવવી પડશે. કેમ કે ગઈ ચૂંટણીમાં પાર્ટી ૨૧માંથી આઠ જ બેઠકો જીતી હતી, આ વખતે એણે એનાથી સાત બેઠકો વધારે જીતવી પડશે. એ જ રીતે ઝારખંડમાં પાર્ટીએ ૧૪માંથી ૧૧ બેઠકો જીતી હતી, હવે એણે એનાથી એક બેઠક વધારે જીતવી પડશે. જમ્મુ-કાશ્મીરમાં પાંચમાંથી ત્રણ બેઠકો જીતી હતી, એટલી જ બેઠકો એણે જાળવી રાખવી પડશે.

સ્વાભાવિક રીતે સૌથી વધારે પડકાર દક્ષિણમાં છે,
અહીં બીજેપીને ગઠબંધનથી આશા છે, જેમ કે કર્ણાટકમાં જનતા દળ સેક્યુલરની સાથે, એ જ રીતે બીજાં રાજ્યોમાં પણ પ્રાદેશિક પક્ષો સાથે હાથ મીલાવવાની કોશિશ થઈ રહી છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં બીજેપી આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં એક પણ સીટ નહોતી જીતી શકી. આ વખતે આ ત્રણેય રાજ્યોમાં બીજેપી માટે ઓછામાં ઓછી ૧૦-૧૦ બેઠકો જીતવી જરૂરી છે. એ સિવાય કર્ણાટકમાં બીજેપીએ ૨૮માંથી ૨૫ બેઠકો જીતી હતી. આ રાજ્યમાં સત્તા વિરોધી લહેરના કારણે બીજેપીએ સત્તા ગુમાવી હતી, આવા માહોલમાં એણે ૨૨ બેઠકો જીતવી પડશે.

આ તો આપણે જોયું ગણિત,
પણ રાજકારણમાં હંમેશા એક વત્તા એક બરાબર બે નથી હોતા. વળી, અહીં ઝડપથી સમીકરણો બદલાતાં રહે છે. આમ છતાં આ મિશન ૪૦૦ પ્લસ કેમ બીજેપી માટે ઇમ્પોસિબલ નથી એનાં કેટલાંક કારણો છે. સૌથી પહેલું કારણ એ છે કે ચૂંટણીની જંગ જીતવા માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં જુસ્સો ઘટ્યો છે. બીજું કારણ એ છે કે ઇન્ડિયા ગઠબંધન નબળું પડ્યું છે, નીતીશ કુમાર નીકળી ગયા છે, મમતા બેનર્જી બળવાના સૂર વ્યક્ત કરતા રહે છે.

ત્રીજું કારણ બીજેપીની વિશેષ કોશિશ છે,
બીજેપીએ ૧૪૪ મુશ્કેલ સીટ્સની ઓળખ કરી છે, જ્યાં એ ખૂબ મહેનત કરી રહી છે. આ સીટ્સ એટલા માટે મુશ્કેલ છે, કેમ કે, છેલ્લી ત્રણેય લોકસભાની ચૂંટણીમાં બીજેપીને અહીં હાર જ મળી છે, એટલે આ બેઠકો જીતવા માટે ખાસ રણનીતિ અપનાવવામાં આવી છે.

ચોથું અને મજબૂત કારણ મોદી અને શ્રીરામ મંદિરનું પરિબળ છે,
પહેલાં જ અમે કહ્યું એમ સમગ્ર દેશ રામમય છે, એ માહોલ કમળમય પણ થઈ શકે છે. આમ પણ શ્રીરામ અને કમળનો ખાસ સંબંધ છે,
શ્રીરામનું એક નામ રાજીવ લોચન છે. કેમ કે પ્રભુ શ્રીરામની આંખો કમળની પાંખડી જેવી છે. હવે જોવાનું એ રહેશે કે ભગવાન શ્રીરામની કમળની પાંખડી જેવાં નયનોથી લોકસભાની ચૂંટણીમાં કમળ પર કૃપા વરસશે કે નહીં