September 14, 2024
હિન્દુઓ પર પ્રહાર કેમ સ્વીકાર ?
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

Expert Opinion: બાંગ્લાદેશમાં અરાજકતાની શરૂઆત વિદ્યાર્થીઓના આંદોલનથી થઈ હતી. જેના લીધે શેખ હસીનાની હકાલપટ્ટી થઈ. જોકે, હવે, આ આખું આંદોલન ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હાઇજેક કરી લીધું છે. હિન્દુઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે. હિન્દુઓ સામેના આ જેહાદ સિવાય અમે આજે ભારતના રાજનેતાઓની સિલેક્ટિવ સંવેદના વિશે પણ વિસ્તારથી જણાવીશું.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. આ હુમલા એક મેગા પ્લાનનો હિસ્સો છે. આ દેશમાં રહેતા 1.36 કરોડ હિન્દુઓનો સિસ્ટેમેટિકલી સફાયો કરવાનો મેગા પ્લાન છે. આ મેગા પ્લાનના ભાગરૂપે જ હિન્દુ મંદિરોમાં મૂર્તિઓ તોડવામાં આવી રહી છે. મંદિરોને આગ લગાડવામાં આવે છે. હિન્દુઓનાં ઘરોમાં લૂંટ મચાવાય છે, તોડફોડ કરાય છે અને સળગાવવામાં આવે છે. હિન્દુ મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું છે. હિન્દુઓનાં બાળકોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં હિન્દુ સરકારી કર્મચારીઓને રાજીનામું આપવાની ફરજ પણ પાડવામાં આવી રહી છે. સૌથી પહેલાં અમે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોનાં દૃશ્યો તમારી સમક્ષ રજૂ કરીશું.

UKની પાર્ટી બ્રિટન ફર્સ્ટના નેતા પૌલ ગોલ્ડિંગે હિન્દુઓ પરના અત્યાચારનો એક વીડિયો TWEET કર્યો હતો. આ વીડિયોમાં એક હિન્દુ યુવતીને ઘેરીને તેને પરેશાન કરતાં જેહાદીઓ જોવા મળે છે. આ માત્ર 33 સેકન્ડ્સનો જ વીડિયો છે. એટલે આ યુવતીનું બાદમાં શું થયું એનો ખ્યાલ આવતો નથી. પૌલે સ્પષ્ટ લખ્યું હતું કે, જ્યારે આપણે લઘુમતીમાં આવી જઇશું તો આપણા બધાની સાથે આમ જ થશે.

બાંગ્લાદેશમાં સિસ્ટેમેટિકલી હિન્દુઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે એનો વધુ એક પુરાવો તમે જુઓ. બાંગ્લાદેશની આર્મીના જવાનો જ હિન્દુ યુવાનોને મારતા જોવા મળી રહ્યા છે અને કટ્ટરપંથીઓનું ટોળું આ ઘટનાને જોઈ રહ્યું છે. બાંગ્લાદેશમાં અત્યારે રલિબ, ગલિબ, ચલિબનો સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે. હિન્દુઓને ધમકી આપવામાં આવી રહી છે કે, તમે મુસ્લિમ બની જાવ, મરી જાવ કે પછી બાંગ્લાદેશ છોડીને જતા રહો. માત્ર આ ધમકી આપવામાં આવતી નથી. બલકે, હિન્દુઓને ખલાસ કરવા માટે બધા જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓની બહુમતીવાળાં બે ગામોને આગ લગાડવામાં આવી હતી. જેહાદીઓ હિન્દુઓનું અસ્તિત્વ જ સહન કરી શકતા નથી. તેઓ જમાત-એ-ઇસ્લામી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની સાથે જોડાયેલા છે.

આ જેહાદીઓ સરકારી ઓફિસોમાં પણ આતંક મચાવી રહ્યા છે. તેઓ હિન્દુ સરકારી અધિકારીઓને રાજીનામું લખવાની ફરજ પાડી રહ્યા છે. સરકારી ઓફિસોમાંથી હિન્દુઓને આઉટ કરવામાં આવી રહ્યા છે. જમાત-એ-ઇસ્લામીના ગઢ ગણાતા મેહરપુરમાં આવેલા ઇસ્કોન મંદિર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મંદિરમાં શ્રીમદ્ ભગવત ગીતા સહિત અનેક ગ્રંથોને બાળવામાં આવ્યાં હતાં. હિંસક ટોળાએ આ મંદિરના ગર્ભગૃહમાં તોડફોડ કરી હતી અને એને આગ લગાડી હતી. મુસલમાનોનું ટોળું પેટ્રોલ અને વિસ્ફોટકો લઈને ત્રાટક્યું હતું. એ સમયે મંદિરમાં 16 લોકો હતા.

આ જેહાદીઓ ઇતિહાસને ભૂંસવાની પણ કોશિશ કરી રહ્યા છે. 1971ના યુદ્ધ બાદ બાંગ્લાદેશનું સર્જન થયું હતું. જેના પછી પાકિસ્તાનની આર્મીના અત્યાચારોની યાદમાં મુજિબનગરમાં પ્રતિમાઓ બનાવાઈ હતી. આ પ્રતિમાઓમાં પાકિસ્તાનની આર્મી દ્વારા બાંગ્લાદેશની મહિલાઓ પર બળાત્કાર અને અત્યાચારો દર્શાવાયા હતા. ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી ટોળાએ આ પ્રતિમાઓને પણ તોડી નાંખી હતી.

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓને અનામતની સિસ્ટમ અને શેખ હસીના સામે વાંધો હતો. આખરે તેઓ શા માટે હિન્દુઓને ટાર્ગેટ કરી રહ્યા છે ? આખા મામલાને શા માટે સાંપ્રદાયિક બનાવી દેવામાં આવ્યો છે ? જેના કારણે હિન્દુઓ અત્યારે દહેશતમાં જીવી રહ્યા છે. દુનિયાભરના હિન્દુઓ આ મુશ્કેલ સમયમાં બાંગ્લાદેશના હિન્દુઓને સાથ આપી રહ્યા છે. અમેરિકાના ફ્રેમોન્ટ શહેરમાં 150થી વધારે હિન્દુઓ ભેગા થયા હતા. તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારનો વિરોધ કર્યો હતો. તેઓ સૂત્રોચ્ચાર કરતા હતા કે, હિન્દુઓની હત્યા બંધ કરો.

અમેરિકા જેવાં જ દૃશ્યો કેનેડામાં જોવાં મળ્યાં હતાં. અહીં મોન્ટ્રિયલ શહેરમાં મોટી સંખ્યામાં હિન્દુઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારોનો વિરોધ કર્યો હતો. અમેરિકા, કેનેડા અને સંયુક્ત રાષ્ટ્રે પણ બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિન્દુઓનું રક્ષણ કરવા કહ્યું છે. આખી દુનિયા અત્યારે હિન્દુઓ પરના હુમલાની ટીકા કરી રહી છે. જોકે, પોતાની જાતને લઘુમતીઓના તારણહાર ગણાવતા રહેતા આપણા દેશના કેટલાક નેતાઓ મૌન છે. મુહમ્મદ યુનુસના હાથમાં બાંગ્લાદેશનું સુકાન આવ્યું તો PM મોદીએ તેમને શુભેચ્છા જરૂર પાઠવી હતી. જોકે, તેમણે પોતાના TWEETમાં હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો જરૂર ઉઠાવ્યો હતો.

રાહુલ ગાંધીએ પણ યુનુસને શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોતાના TWEETમાં શાંતિની વાત જરૂર કહી હતી. જોકે, હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો બિલકુલ જ નહોતો ઉઠાવ્યો. આ જ મુદ્દે BJPના સંસદસભ્ય અનુરાગ ઠાકુરે ગાઝા પર ઇઝરાયલના હુમલાની વાત કહી છે. રાહુલ ગાંધીએ એ સમયે શું TWEET કર્યું હતું એ પણ તમારે જાણવું જોઈએ. ગાઝામાંથી હમાસના આતંકવાદીઓ ઇઝરાયલ પર તૂટી પડ્યા હતા. 1200થી વધુ લોકો માર્યા ગયા હતા અને 250 લોકોને બંધક બનાવાયા હતા. એ સમયે રાહુલે એક પણ શબ્દ કહ્યો નહોતો. ઇઝરાયલે એના જવાબમાં હુમલો કર્યો તો રાહુલે લાંબું TWEET કર્યું હતું. જોકે, બાંગ્લાદેશમાં હિન્દુઓની કત્લેઆમ થઈ રહી છે એનાથી રાહુલના મનમાં કોઈ જ જાતની સંવેદના જાગતી નથી. આવી સિલેક્ટિવ સંવેદના વાસ્તવમાં તેમની રાજનીતિનો જ એક ભાગ છે. ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યો તો રાહુલે લખ્યું હતું કે, ગાઝામાં બાળકો સહિત હજારો નિર્દોષ નાગરિકોની હત્યા થઈ રહી છે, ઉપરાંત ભોજન, પાણી અને વીજળીનો સપ્લાય બંધ કરીને લાખો લોકોને સામૂહિક સજા અપાઈ રહી છે, જે માનવતાની વિરુદ્ધ અપરાધ છે.

ગાઝાના મુસલમાનો માટે તો ઇન્ડિયા ગઠબંધનના અનેક નેતાઓ આંસુ સારતા હતા. જોકે, બાંગ્લાદેશના હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો માટે તેમના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નથી. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારોના હજારો વીડિયોઝ દેખાતા જ નથી. કાશ્મીરમાં પંડિતો પર અત્યાચારો થતા હતા ત્યારે પણ તેમની બોલતી બંધ જ હતી. રાહુલ, મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલે એક પણ શબ્દ કહ્યો નથી. જ્યારે પણ આવા મામલા ઉઠાવવામાં આવે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ દલીલ કરતા રહે છે કે, આ તો બધી સાંપ્રદાયિક વાતો છે. લઘુમતિઓને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો ખોટો પ્રચાર કરવામાં આવે છે.

ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ તો ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો પણ વિરોધ કર્યો હતો. આ લોબીએ પુરવાર કરવાની કોશિશ કરી હતી કે, આ ફિલ્મમાં ખોટી હકીકતોને રજૂ કરવામાં આવી છે. જો આ ફિલ્મમાં ખોટી હકીકતો રજૂ કરવામાં આવી હતી તો સવાલ એ છે કે, કાશ્મીરમાં પંડિતોના સામૂહિક નરસંહારની શું સચ્ચાઈ છે ? ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પુરવાર કરવાની કોશિશ કરે છે કે, કાશ્મીરી પંડિતો પર કોઈ જ અત્યાચારો થયા નથી. બલકે, આ નેતાઓએ ઇન્ડિયન આર્મીને પણ બદનામ કરવાની કોશિશ કરી હતી. ઇન્ડિયન આર્મી જ જમ્મુ-કાશ્મીરના નાગરિકો પર અત્યાચારો કરતી હોવાની ખોટી વાતો ફેલાવવામાં આવી હતી. હકીકતમાં જેના પર અત્યાચારો થયા હોય એ જ પલાયન કરવાની કોશિશ કરે. જમ્મુ-કાશ્મીરમાંથી મુસલમાનોએ નહીં પણ કાશ્મીરી પંડિતોએ જ પલાયન કરવું પડ્યું હતું.
કાશ્મીરમાં પંડિતોનો સફાયો બોલાવવાની કોશિશ થઈ હતી. એ જ રીતે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓનો સફાયો બોલાવવામાં આવી રહ્યો છે.

ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ લઘુમતિઓના અધિકારો વિશે ગળું ફાડીને બોલે છે. તેમની હિમાયત કરતા રહે છે. જોકે, કાશ્મીર, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં લઘુમતિઓ પર અત્યાચારો થઈ જાય તો તેમની બોલતી બંધ થઈ જાય છે. લઘુમતિઓ પર હુમલાના મામલે રિએક્શન આપતી વખતે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પોતાની વોટબેંકને ધ્યાને રાખે છે. જો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થાય અને તેમની વોટબેંકને એ ગમે કે ફરક ના પડે તો આ નેતાઓ એના વિશે કંઈ પણ ના કહે. બીજી તરફ ગાઝા પર ઇઝરાયલના હુમલાથી તેમની વોટબેંક વિફરી જાય તો તેઓ રિએક્શન આપે છે. અત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારથી કદાચ તેમની વોટબેંકને ફરક નહીં પડતો હોય, એટલે જ આ નેતાઓનાં દિલમાં સંવેદના જાગતી નથી.

બાંગ્લાદેશમાં હિન્દુઓનો સફાયો કરવા માટે રીતસર દશકાઓથી કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. 1901માં બાંગ્લાદેશ ભારતનો ભાગ હતું. એ સમયે એ ભાગમાં લગભગ 33 ટકા હિન્દુઓ હતા. 1947માં 30 ટકા હિન્દુઓ હતા. જોકે, અત્યારે લગભગ આઠ ટકા જ હિન્દુઓ બચ્યા છે. આ હિન્દુઓને ખલાસ કરવા માટે રીતસર પ્રયાસો ચાલી રહ્યા છે. અત્યારે શેખ હસીના PM ના રહેતા જેહાદીઓને છૂટો દોર મળ્યો છે. જેના લીધે હિન્દુઓ પરના હુમલા વધ્યા છે. જોકે, હિન્દુઓ પર સતત જોખમ રહ્યું છે. બાંગ્લાદેશમાં વારંવાર હિન્દુઓ પર હુમલા થયા છે અને ભારતે બાંગ્લાદેશ સમક્ષ વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા કરવાની એક મોડસ ઓપરેન્ડી રહી છે. કોઈ ચોક્કસ હિન્દુએ ઇસ્લામ વિશે વાંધાજનક પોસ્ટ લખી હોવાની ખોટી અફવા ફેલાવવામાં આવે છે. આ પહેલું સ્ટેપ છે. જેના પછી એ હિન્દુનો વિરોધ કરવા માટે ટોળા ઉમટી આવે. જેમાં મામલો હત્યા સુધી પણ પહોંચે છે. આ હિન્દુએ ખરેખર આવી કોઈ વાંધાજનક પોસ્ટ મૂકી છે કે નહીં કોઈ જ ખરાઈ કરવામાં આવતી નથી. સવાલ એ છે કે, બાંગ્લાદેશના હિન્દુઓ આવી કોઈ પોસ્ટના ભયાનક પરિણામથી વાકેફ હોય તો તેઓ શા માટે એવી પોસ્ટ મૂકે?

શેખ હસીના હતા ત્યાં સુધી આવા જેહાદીઓ પર કંઇક અંશે કન્ટ્રોલ રહેતો હતો. જોકે, હવે આવા જેહાદીઓને છૂટો દોર મળી ગયો છે. હવે, જેહાદીઓ સોશિયલ મીડિયા પર હિન્દુઓને ધમકી આપતા વીડિયો બનાવે છે. એક રીતે હિન્દુઓ ડરના માર્યા ત્યાંથી પલાયન કરે એવી સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશનો ઇસ્લામિક સ્કોલર અબુ નઝ્મ ખુલ્લેઆમ હિન્દુઓને ધમકી આપે છે. તે કહે છે કે, હિન્દુઓની પાસે બે જ ઓપ્શન છે. ઇસ્લામ કબૂલ કરો અથવા તો મોતને ગળે લગાડો.

જેહાદીઓ અને તેમના સપોર્ટર્સના હાથમાં શાસન આવી જાય ત્યારે તેઓ આવી જ વાતો કરે છે. એ પછી કાશ્મીર, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન હોય કે પાકિસ્તાન. આવા જેહાદીઓથી બીજા ધર્મોના ઉપાસના સ્થળો સહન થતા જ નથી. એટલે જ તેઓ મંદિરોને તોડે છે અને એને આગ લગાડે છે. આવી સ્થિતિના સાક્ષી બનવા છતાં કોંગ્રેસના નેતાઓ ચૂપ છે.

આવી સિલેક્ટિવ સંવેદનાની કહાની કેરળ અને પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી છે. કેરળમાં લવ જેહાદની સમસ્યા હોવાનું હાઈકોર્ટ અને ચર્ચ બંનેએ સ્વીકાર્યું છે. આમ છતાં કેરલ સ્ટોરી ફિલ્મ આવી ત્યારે આ જ સિલેક્ટિવ સંવેદના ધરાવતી લોબીએ એનો વિરોધ કર્યો હતો. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં શેખ શાહજહાં જેવા બાંગ્લાદેશી ઘૂસણખોરોના હિન્દુઓ પરના હુમલા વિશે પણ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ મૌન છે.

ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની જેમ બોલિવૂડના કલાકારોમાં પણ દંભ જોવા મળ્યો છે. દેશ કે વિદેશમાં આતંકવાદી હુમલાઓમાં નિર્દોષોનું લોહી વહે છે ત્યારે બૉલિવૂડના અનેક સ્ટાર્સ મૌન રહે છે. એ સમયે તેમનામાં રહેલી સંવેદનશીલતા કે કરુણા પ્રગટ થતી નથી. નાટક કરવા ખાતર પણ તેઓ દુખ કે શોક વ્યક્ત કરતા નથી. જોકે, ઇઝરાયલે આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા યુદ્ધ શરૂ કર્યું ત્યારે તેમણે વાંધો ઉઠાવ્યો હતો. ગાઝાના આ યુદ્ધ દરમ્યાન રાફા એરિયામાં વિસ્થાપિતો માટેના એક કેમ્પ પર હુમલો થયો. જેમાં બાળકો સહિત 45 લોકોનાં મોત થયાં. સ્વાભાવિક રીતે દુનિયાભરમાં આ ઘટનાને વખોડવામાં આવી હતી. બૉલિવૂડમાંથી અનેક સેલિબ્રિટીઝે આ હુમલાને વખોડ્યો હતો. આ સેલિબ્રિટીઝ પેલેસ્ટિનને સપોર્ટ આપવા લાગી હતી. જેમાં આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, પ્રિયંકા ચોપરા, રશ્મિકા મંદાના, સ્વરા ભાસ્કર, ફાતિમા સના શેખ, સામંથા પ્રભુ અને દીયા મિર્ઝા પણ સામેલ હતી. આ તમામ સેલિબ્રિટીઝ રાફામાં ઇઝરાયલના ઓપરેશનની વિરુદ્ધમાં પોસ્ટ કરવા લાગી.

બાંગ્લાદેશમાં આતંકવાદી હુમલો થયો ત્યારે આ કલાકારો મૌન થઈ ગયા. તેમને કદાચ TWEET કરવા માટે કોઈ સ્ક્રિપ્ટ નહીં મળી હોય. માત્ર થોડા ઘણા કલાકારોએ જ હિન્દુઓ પરના હુમલા વિશે સંવેદના વ્યક્ત કરી છે. જેમાં પ્રીટિ ઝિન્ટા સામેલ છે. પ્રીટિએ TWEETમાં લખ્યું હતું કે, બાંગ્લાદેશમાં લઘુમતિઓ પરની હિંસા વિશે જાણીને મારું દિલ તૂટી ગયું છે. લોકોની હત્યા થઈ છે, પરિવારો વિખુટા પડી ગયા છે, ધાર્મિક સ્થળોમાં તોડફોડ થઈ રહી છે અને આગ લગાડવામાં આવી રહી છે. નવી સરકાર આ હિંસાને અટકાવવા અને લોકોનું રક્ષણ કરવા યોગ્ય પગલાં લેશે એવી આશા. મુશ્કેલીઓનો સામનો કરી રહેલી દરેક વ્યક્તિ પ્રત્યે મારી સંવેદના.

પ્રીટિ ઝિન્ટા સિવાય હિના ખાને પણ TWEET કર્યું હતું. હિના ખાને લખ્યું હતું કે, કોઈ પણ સમાજ આવી ભયાનક સ્થિતિમાં ન મુકાવો જોઈએ. હિના સિવાય રવીના ટંડન અને સોનુ સૂદે પણ રિએક્શન આપ્યું છે. આ અભિનેતાઓ સિવાય ભારતનાં અનેક શહેરોમાં લોકોએ પણ બાંગ્લાદેશી હિન્દુઓને મોરલ સપોર્ટ આપ્યો છે. ઉત્તર પ્રદેશમાં વારાણસી, લખનઉ, કાનપુર અને અયોધ્યા સહિત અનેક શહેરોમાં સંતો અને સામાન્ય લોકોએ બાંગ્લાદેશી હિન્દુઓ પરના અત્યાચારોનો ભારે વિરોધ કર્યો હતો. એ ઉપરાંત સિલીગુડી અને કોલકાતામાં પણ ભારે વિરોધ થયા છે. હિન્દુ જાગરણ મંચે કોલકાતામાં બાંગ્લાદેશ હાઈ કમિશનની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ લોકોની એક જ માગણી છે કે, બાંગ્લાદેશી હિન્દુઓ પર અત્યાચારનો અંત આવે.

બાંગ્લાદેશમાં હિન્દુઓની કત્લેઆમમાં લગભગ 300 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જેના લીધે હવે હિન્દુઓમાં નવી સરકાર પ્રત્યે ભારે વિરોધ છે. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ સતત ભયમાં જીવી રહ્યા છે. પોતાનો ધર્મ પાળે તો પણ તેમના પર હુમલા કરવામાં આવે છે. ખાસ કરીને દુર્ગા પૂજા અને નવરાત્રી દરમ્યાન તો હિન્દુઓ પર હુમલા અચૂક થાય છે. ઓક્ટોબર 2021માં દુર્ગા પૂજાની ઉજવણી દરમ્યાન જેહાદીઓએ ખોટી અફવાઓ ફેલાવી હતી. મુસલમાનોના પવિત્ર કુરાનનું હિન્દુઓએ અપમાન કર્યું હોવાની ખોટી વાતો ફેલાવવામાં આવી હતી. જેના કારણે આખા દેશમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસક ટોળાએ 50થી વધારે મંદિરોને નષ્ટ કર્યા હતા. હિન્દુઓમાં ભારે દહેશતનો માહોલ હતો. હિન્દુ પુરુષોની હત્યા કરવામાં આવી હતી. હિંસક ટોળાએ અનેક હિન્દુ મહિલાઓ પર હિંસક રીતે દુષ્કર્મ આચર્યું હતું.

પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશમાં પણ હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. અહીં હિન્દુ મહિલાઓનું અપહરણ કરાય છે, તેમના પર દુષ્કર્મ આચરવામાં આવે છે અને બળપૂર્વક ઇસ્લામ ધર્મ અંગિકાર કરવાની ફરજ પાડવામાં આવે છે. આવા લોકોની વિરુદ્ધ શેખ હસીનાના રાજમાં પણ કોઈ જ પગલાં લેવામાં આવતા નહોતાં. જોકે, હવે શેખ હસીના રહ્યા નથી ત્યારે હિન્દુઓ પર જોખમ અનેક ગણું વધ્યું છે.

બાંગ્લાદેશમાં લાખો હિન્દુઓ કત્લેઆમના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. તેઓ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ દુનિયાને કહેવા માગે છે કે, તેમના જીવનનું પણ મૂલ્ય છે. હજારો હિન્દુઓ ભારતમાં પ્રવેશવા માટે પણ કોશિશ કરી રહ્યા છે. BSF આવા હિન્દુઓને પાછા મોકલી રહી છે. એટલે હિન્દુઓ અત્યારે અત્યંત જોખમી સ્થિતિમાં મુકાયા છે. બાંગ્લાદેશમાં અત્યારે હિન્દુઓ પર અત્યાચારો થયા એટલે અમેરિકા સહિત અનેક દેશોએ વિરોધ વ્યક્ત કર્યો. અત્યાર સુધી બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારોના મામલે દુનિયાના દેશો મૂકપ્રેક્ષક જ બની રહ્યા છે. પશ્ચિમી મીડિયા અને માનવ અધિકારો માટે લડતા સંગઠનો પણ સિલેક્ટિવ સંવેદના વ્યક્ત કરે છે. આખરે ભારતે તો બાંગ્લાદેશના હિન્દુઓની પડખે ઊભા રહેવું જ જોઈએ.

ભારત સરકાર આવા જ લોકોને શરણ આપવા માટે નાગરિકતા સુધારા કાયદા લાવી હતી. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં રીતસર હિન્દુઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે. એટલે આવા હિન્દુઓને શરણ આપવું પડે. તેમને નાગરિકતા પણ આપવી પડે. નાગરિકતા સુધારા કાયદાનો આ જ હેતુ હતો. જોકે, ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ આ બિલનો ભારે વિરોધ કર્યો હતો. હવે, તેમનો આ વિરોધ શેના માટે હતો એ પણ સમજવું જરૂરી છે.

આ કાયદાના બેઝિક નિયમની વાત કરીએ તો એમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં ગેરકાયદે રહેતા બિન મુસ્લિમ લોકોને નાગરિકતા આપવાની વાત છે. હવે, સવાલ એ છે કે, આવી જોગવાઈ શા માટે છે ? વાસ્તવમાં આ દેશોમાં મુસ્લિમો સાથે અન્યાય થવાની તો શક્યતા જ નથી. કેમ કે, મુસ્લિમોની બહુમતી છે. એટલું જ નહીં આ દેશોમાં હિન્દુઓ સહિતના બિન મુસ્લિમ ધર્મોના લોકોના જીવ સામે જોખમ છે. આ બંને દેશોમાં સતત હિન્દુઓ અને ખ્રિસ્તીઓનો સફાયો થઈ રહ્યો છે. જેના કારણે જ તેમને શરણ અને નાગરિકતા આપવાની જરૂર છે. અત્યારના બાંગ્લાદેશની સ્થિતિ જોતા સ્પષ્ટ થાય છે કે, નાગરિકતા સુધારા કાયદો બિલકુલ યોગ્ય છે. આમ છતાં કોંગ્રેસના નેતા જયરામ રમેશ, તૃણમુલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા અને AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ કાયદાનો વિરોધ કર્યો હતો.

આખરે આ નેતાઓને વિરોધ શા માટે છે ? મુસલમાનોને શરણ આપવાની જોગવાઈ ન હોવાના કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે કે પછી હિન્દુઓને શરણ આપવાની જોગવાઈ સામે વિરોધ છે. અરવિંદ કેજરીવાલે તો એક સમયે એમ પણ કહ્યું હતું કે, BJP સરકાર પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી હિન્દુઓ અને ખ્રિસ્તીઓને ભારતમાં લાવશે તો તેઓ ભારતીયોની નોકરી ખાઈ જશે. આવા નેતાઓને અમારે સવાલ પૂછવો છે કે, જો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય તો તેઓ ક્યાં જાય ? તેમની પાસે એકમાત્ર ભારતનો જ વિકલ્પ રહે છે. માનવસંકટના સમયે પણ વોટબેંકની રાજનીતિ રમનારાઓથી ચેતવું જોઈએ. કેમ કે, તેમની નિયતમાં ખોટ હોય છે.