નરોડામાં ડુપ્લીકેટ હોસ્પિટલ પકડાઇ; થ્રી સ્ટાર હોસ્પિટલ, ICU ટ્રોમસેન્ટરના માલિકની ધરપકડ

અમદાવાદ: નરોડામાં ડુપ્લીકેટ હોસ્પિટલ પકડાઇ છે. થ્રી સ્ટાર હોસ્પિટલ, ICU ટ્રોમસેન્ટરના માલિકની ધરપકડ કરવામાં આવી છે. ડિગ્રી વગરના ડોક્ટરો અને સરકારમાં રજિસ્ટ્રેશન વગર હોસ્પિટલ ધમધમતી રહી હતી. હોસ્પિટલના સત્તાધીશો દર્દીઓને ખોટી રીતે એડમિટ બતાવી મેડિક્લેમ પકવતા હતા.

વીમા કંપનીએ તપાસ કરતા હોસ્પિટલની આ સમગ્ર મામલે પોલ ખુલી હતી. ખોટા સિક્કા, ખોટા પેપર્સ, ખોટું સી ફોર્મ અને ખોટા રિપોર્ટ પોલીસે કબજે કર્યા. ખોટા બિલો, દર્દીઓ અને રિપોર્ટના આધારે હોસ્પિટલ મેડિક્લેમ પકાવતી હતી.

નકલી હોસ્પિટલ મામલે એસીપી વી.એન યાદવે જણાવ્યું હતું કે, નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. શ્રી નિવાસન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ડો. ધર્મેશ પટેલ દ્વારા થ્રી સ્ટાર હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. રૂ.2,08,672નો HDFC એગ્રોના ક્લેમ મૂકવામાં આવ્યા હતા. જે ડોક્ટર દ્વારા સારવાર અપાઈ તે પણ નકલી હોવાનું સામે આવ્યા છે. 2022માં HDFC એગ્રો સામે છેતરપિંડી કરી હોવાનો નવરંગપુરામાં ગુનો નોંધાયો છે. ધર્મેશ પટેલ પાસે ડોક્ટરની કોઈ ડિગ્રી નથી. પહેલા નવરંગપુરામાં પણ નકલી હોસ્પિટલ ખોલી હતી, જેમાં પણ તેની સામે ફરિયાદ થઈ હતી.