March 19, 2025

ક્રેડિટ કાર્ડના નિયમોમાં આવ્યા મોટા ફેરફાર, જાણો તમને ફાયદો થશે કે નુકસાન?

યશ ભટ્ટ, અમદાવાદઃ ઘણી બેન્ક દ્વારા હાલમાં ક્રેડિટ કાર્ડના ચાર્જ, રિવોર્ડ અને તેની સ્પેન્ડિંગ કેટેગરીમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. એક્સિસ બેન્ક, HDFC બેન્ક, SBI કાર્ડ અને યસ બેન્ક દ્વારા ક્રેડિટ કાર્ડ પર નવા નિયમો જાહેર કરાયા છે. તેમાં ફીમાં વધારો, રિવોર્ડ પોઈન્ટમાં ઘટાડો તથા સ્પેન્ડિંગ લીમિટમાં પરિવર્તનના નિયમો જાહેર કરાયા છે. હજુ પણ 2025માં આ ચાર્જીસ વધારવામાં આવશે, કારણકે આ દરેક બેન્કના નફાને અસર પહોંચી હતી.

ક્રેડિટ કાર્ડની ફી અને રિવોર્ડમાં કઈ રીતે બદલાશે?
અમુક બેન્ક દ્વારા ક્રેડિટ કાર્ડ પર શરતોમાં પરિવર્તન આવી ચૂક્યું છે. જેનાથી આપને મળતા રિવોર્ડ પોઈન્ટમાં પરિવર્તન આવ્યું છે. જેના પરિવર્તન આ પ્રમાણે છે.

  • એક્સિસ બેન્ક દ્વારા EDGE રિવોર્ડ અને માઈલ્સને રિડીમ કરવા માટે નવી ફી જાહેર કરી છે. આ સાથે વ્યાજદર, પેનલ્ટી ચાર્જ અને ટ્રાન્ઝેક્શન ફી પણ વધારાયા છે. વધારાની ફી વોલેટ લૉડ, પેટ્રોલ ડીઝલ તથા ભાડાના પેમેન્ટ પર પણ લાગુ પડશે.
  • HDFC બેન્ક દ્વારા યુટિલીટી બિલની ચૂકવણી પર 50 હજારથી વધુ ચૂકવણી પર 1 ટકા ફી લગાવી છે. તથા પેટ્રોલ ડીઝલના 15 હજાર રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર પણ 1 ટકા ફી ચૂકવવાની રહેશે. રિવોર્ડને રીડિમ કરવા પર પણ હવે આપને ફી ચૂકવવાની રહેશે. તથા 6E રિવોર્ડ કાર્ડની વાર્ષિક ફી પણ વધારવામાં આવી છે.
  • SBI કાર્ડ દ્વારા એજ્યુકેશન, સરકારી ચૂકવણી, ભાડું અને ભારત બિલ પેમેન્ટ સર્વિસ (BBPS) માટે મળતા રિવોર્ડ પોઈન્ટ રદ્દ કરી દેવાયા છે. 1 ટકા ફી 50 હજાર રૂપિયાથી વધુના યુટિલિટી પેમેન્ટ પર હવે લગાવવામાં આવશે.
  • યસ બેન્ક દ્વારા ફ્લાઈટ અને હોટલ રિડમ્પશન પર ઉપયોગમાં લેવાતા રિવોર્ડ પોઈન્ટ પર હવે એક લીમિટ મૂકવામાં આવી છે. લાઉન્જ એક્સેસ માટે પણ હવે મિનીમમ સ્પેન્ડિંગ લીમિટ વધારવામાં આવી છે.
  • બેન્ક ઓફ બરોડાએ બિલ ન ચૂકવવા પર વ્યાજ વધાર્યું છે.

બેન્ક દ્વારા આ ફી શા માટે વધારાઈ છે?
ક્રેડિટ કાર્ડનો વપરાશ સતત વધી રહ્યો છે. જેમાં હાઈ-વેલ્યૂ પેમેન્ટ જેમકે ભાડું, એજ્યુકેશન ફી, યુટિલિટી પેમેન્ટને કારણે બેન્કને રિવોર્ડ પોઈન્ટ વધારે ચૂકવવા પડતા હતા. જો આ રિવોર્ડ પોઈન્ટ માટે નવા નિયમો જાહેર ન થયા હોત, તો બેન્કને વધુ નુકસાન જઈ શકે તેમ હતું. આથી જ ગેરઉપયોગ ન થાય તે માટે બેન્ક દ્વારા રિવોર્ડ પ્રોગ્રામના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે.

ક્રેડિટ કાર્ડના યુઝર્સને શું અસર થશે?
સતત મુસાફરી, બહાર ભોજન કરી ચૂકવણી કરતા લોકો, કેશબેકમાં રસ ધરાવતા લોકોએ હવે સ્ટ્રેટેજી બદલવી પડશે. લાઉન્જ એક્સેસ માટે પણ હવે લીમિટ વધારી દેવાઈ છે. એટલે આપે વધુ ખર્ચ કરવો પડશે. દર વર્ષે આપે ક્રેડિટ કાર્ડ માટે નિયમોને રીવ્યૂ કરવા જોઈએ. જેનાથી આપને જો કોઈ નુકસાન હોય તો તેમાં પરિવર્તન કરી શકાય. RBI દ્વારા પણ નિયમોમાં મોટું પરિવર્તન કરાતું હોય છે. આ મુદ્દાની જાણકારી પણ તમારા પાસે હોવી જરૂરી છે.