શાહીબાગ PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે યોજાયો BIS જાગૃતિ કાર્યક્રમ
મિહિર સોલંકી, અમદાવાદ: અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં આજ રોજ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વિશે અવરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારતીય માનક બ્યુરો (BIS) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના નેજા હેઠળ કામ કરે છે.
અમદાવાદમાં આજે શાહીબાગ ખાતે આવેલ કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક એકમાં સ્ટાન્ડર્ડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ગુણવત્તા પ્રત્યે જાગૃતિ આવે તેમજ તેને ઓળખતા થાય તે માટેનો હતો. અહીં જુદી જુદી કંપનીઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા. જેથી કરીને વિદ્યાર્થીઓ તેના વિશે જાણી શકે અને નવી એજ્યુકેશન પોલીસી અંતર્ગત વિદ્યાર્થીઓને શરૂઆતથી જ તેનું શિક્ષણ અને જાણકારી મળી રહે તે માટે ભારતીય માનક બ્યુરો દ્વારા દેશની જુદી જુદી 10 હજાર શાળાઓને જોડવામાં આવી છે તેમાં લગભગ ગુજરાતની બારસો જેટલી શાળાઓનો પણ સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ના શ્રુતિ ભાર્ગવ, બી આઇ એસ ના ડાયરેક્ટર સુમિત સેંગર, ગુજકોસ્ટના મુખ્ય સલાહકાર ડોક્ટર નરોતમ શાહુ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ભારતીય માનક બ્યુરો એટલે કે બીઆઈએસની જાણકારી આપી હતી.